મલેશિયામાં રોડ પર જઈ રહેલી કાર અને બાઈકને અથડાયું ચાર્ટર પ્લેન
એર ટ્રાફિક કંટ્રોલ ટાવર પરથી કર્મીઓએ ધુમાળો જોતા દોડતા થયા
પ્રાપ્ત માહિતી મુજબ, મલેશિયાના કુઆલાલંપુરમાં આજે એક એક્સપ્રેસ વે પર ચાર્ટર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. ચાર્ટર પ્લેને સુબાંગ એર ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથે પ્રથમ સંપર્ક સ્થાનિક સમય મુજબ બપોરે 2.47 કલાકે કર્યો હતો. આ પ્લેનને લેન્ડિંગની મંજૂરી માટે બપોરે 2.48 વાગ્યાનો સમય અપાયો હતો. જોકે કર્મચારીઓએ ટાવર પરથી બપોરે 2.51 વાગ્યે થોડે દૂર એટલે કે દુર્ઘટનાસ્થળે ધુમાળો જોયો. આ દરમિયાન કર્મચારીઓએ તુરંત અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે.
ફોરેન્સિક કર્મચારીઓ મૃતદેહો એકત્રિત કરી રહ્યા છે. હાલ પરિવહન મંત્રાલય આ ઘટનાની તપાસ કરી રહી છે. મલેશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીના એક નિવેદનમાં આવ્યું હતું કે, વિમાનમાં 6 મુસાફરો અને 2 ફ્લાઇટ ક્રૂ મેમ્બર હતા. વિમાન લેંગકાવી ઈન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયું હતું અને સુલતાન અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ જઈ રહ્યું હતું. વધુમાં જાણવા મળ્યું છે કે વિમાન એક કાર અને બાઈક સાથે અથડાયું હતું.