વડોદરા નગરી દેશભક્તિના રંગે રંગાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાયા

Harsh Sanghavi

આજે વડોદરા શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, પોલીસકર્મી, ફાયર બ્રિગેડના જવાનો જોડાયા હતા. વડોદરા શહેરના કીર્તિ સ્તંભ ખાતેથી શરૂ થયેલ તિરંગા યાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીત ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ શહેરના ધારાસભ્યો સહિત ભાજપ સંગઠનના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

તિરંગા યાત્રા કીર્તિ સ્તંભથી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી શહીદ ભગતસિંહ ચોક (ન્યાય મંદિર)થી સુરસાગર તળાવ, મહાત્મા ગાંઘી નગરગૃહ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને ભારત માતાકી જય, વંદે માતરમ, ઈન્કલાબ જિંદાબાદ જેવા નારાઓથી વડોદરા નગરી દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતુ.