4 ઓગસ્ટના રોજ અમદાવાદના મહિપાલસિંહ આતંકીઓનો સામનો કરતાં શહીદ થયા હતા
પત્નીએ પતિના કપડાં સ્પર્શ કરાવીને દીકરીને હાથમાં લીધી
અમદાવાદનાં મહિપાલસિંહ 4 ઓગસ્ટ રોજ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સામેની અથડામણમાં શહીદ થયા હતા. શહીદ વીર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે આજ રોજ દીકરીનો જન્મ થયો છે. આતંકવાદીઓ સામે ઝઝૂમી વીરગતિ પામનારા જવાન મહિપાલસિંહના પત્ની વર્ષાબાને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે 11 ઓગસ્ટને શુક્રવારે બાળકીને જન્મ આપ્યો છે. શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારે દીકરીનું નામ વિરલબા પાડ્યું છે. દીકરીનો જન્મ થયા બાદ વર્ષાબાએ સૌથી પહેલા શહીદ પતિના કપડાને સ્પર્શ કર્યા હતા, જે બાદ તેઓએ રડતી આંખે દીકરીને હાથમાં લીધી હતી. આ સમયે આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. આ દરમિયાન પરિવારે ભીની આંખે કહ્યું હતું કે, ‘દીકરીના મોટી થયા બાદ તેને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને અમે ડિફેન્સમાં મોકલીશું.’