ભારત-પાકિસ્તાન સહિત 9 મેચોની તારીખ બદલાઈ, અમદાવાદમાં નવરાત્રિના આગલે દિવસે હાઇ વોલ્ટેજ મેચ રમાશે
આ સિવાય 8 મેચોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે
વિશ્વ કપની મેચો ભારતના કુલ 10 શહેરોમાં રમાશે. હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતામાં મેચો છે. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વોર્મ-અપ મેચોની યજમાની કરશે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમો ક્વોલિફાયર દ્વારા આ ટુર્નામેન્ટમાં પહોંચી છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ODI વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. અપડેટ કરાયેલા શેડ્યૂલમાં 9 મેચની તારીખો બદલવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હવે 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે અમદાવાદમાં જ મેચ રમાશે. તો 12 નવેમ્બરે કોલકાતામાં રમાનારી ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ હવે 11 નવેમ્બરે યોજાશે. આ સિવાય, 8 મેચોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ICC દ્વારા 27 જૂને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હવે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે, પરંતુ કેટલીક મેચોની તારીખો બદલાઈ ગઈ છે. પ્રથમ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યુઝીલેન્ડ વચ્ચે થશે. આ બંને ટીમો ટૂર્નામેન્ટની પહેલી મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. તે જ સમયે, ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર ઓસ્ટ્રેલિયા સાથે થશે. કુલ 8 મેચો ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
અગાઉના શેડ્યૂલ મુજબ, 15 ઓક્ટોબરે નવરાત્રિનો પ્રથમ દિવસ હોત અને એજ દિવસે ભારત-પાકિસ્તાનની મેચ પણ હોત જેના કારણે સુરક્ષા એજન્સીઓએ BCCIને સુરક્ષાની ચિંતાઓને કારણે મેચને અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપી હતી. આ પછી આઈસીસી અને બીસીસીઆઈએ પીસીબી સાથે પાકિસ્તાન ટીમની બે ગ્રુપ મેચોની તારીખમાં ફેરફાર અંગે વાત કરી હતી. પાકિસ્તાન આ માટે રાજી થઈ ગયું અને હવે આ મહાન મેચ 14 ઓક્ટોબરે રમાશે.
ભારત-પાકિસ્તાન ઉપરાંત નેધરલેન્ડ સામેની ટીમ ઈન્ડિયાની મેચ પણ રી શેડ્યૂલ કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. આ કારણે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાનાર મેચ 15 ઓક્ટોબરે રમાશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 13 ઓક્ટોબરના બદલે 12 ઓક્ટોબરે રમાશે. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના બદલે 13 ઓક્ટોબરે રમાશે. પાકિસ્તાન-શ્રીલંકા મેચ12 ઓક્ટોબરના બદલે 10 ઓક્ટોબરે યોજાશે. ધર્મશાલામાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બપોરના બદલે સવારે 10.30 વાગ્યે શરૂ થશે.
ICC દ્વારા આ મેચોના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે
- 10 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ (સમય બદલાયો)
- 10 ઓક્ટોબર: પાકિસ્તાન વિ શ્રીલંકા (અગાઉ આ મેચ 12 ઓક્ટોબરે યોજાવાની હતી)
- 12 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા (અગાઉ આ મેચ 13 ઓક્ટોબરે યોજાવાની હતી)
- 13 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ (અગાઉ આ મેચ 14 ઓક્ટોબરે યોજાવાની હતી)
- 14 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (અગાઉ આ મેચ 15 ઓક્ટોબરે યોજાવાની હતી)
- 15 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ વિ અફઘાનિસ્તાન (અગાઉ આ મેચ 14 ઓક્ટોબરે યોજાવાની હતી)
- 11 નવેમ્બર: ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ (અગાઉ આ મેચ 12 નવેમ્બરે યોજાવાની હતી)
- 11 નવેમ્બર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન (અગાઉ આ મેચ 12 નવેમ્બરે યોજાવાની હતી)
- 12 નવેમ્બર: ભારત વિ નેધરલેન્ડ્સ (અગાઉ આ મેચ 11 નવેમ્બરે યોજાવાની હતી)