FSL છોડનું ટેસ્ટિંગ કરશે, NSUIએ ગાંજાની ખેતી થતી હોવાનો આક્ષેપ કર્યો
6.5 અને 5.5 ફૂટના બે ગાંજાના છોડ મળતા પોલિસની ટીમ પહોંચી તપાસ શરુ કરી
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં બે છોડ મળ્યા છે. જેમાં એક 6.5 ફૂટનો છોડ છે, અને બીજો 5.5 ફૂટનો છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. યુનિવર્સિટી બ્લોક વોર્ડને પોલીસ સ્ટેશનમાં ગાંજા અંગેની જાણ કરી હતી. પોલિસ ટીમ સાથે પહોંચતા પ્રાથમિક તબક્કે શંકાસ્પદ છોડ જોવા મળ્યો હતો. એફએસએલ ટીમ આવી પંચનામું કરશે. જરૂર પડશે તો હોસ્ટેલમાં પણ તપાસ કરાશે.
યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાની ખેતી થતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ નશાના રવાડે ચઢી રહ્યા છે. આ માત્ર ગાંજો છે પરંતુ વિદ્યાર્થીઓ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું સેવન કરતા જ હોય છે. અમારી સ્પષ્ટ માગ છે કે, સરકાર આ મામલે નોંધ લઇ જવાબદાર સામે કાર્યવાહી કરે.