તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ

Imran Khan

મોંઘી ગિફ્ટ બારોબાર વેચીને કરોડોની કમાણી કરી હતી, હવે 5 વર્ષ સુધી ચૂંટણી નહિ લડી શકે

સત્તાધારી પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટે તોશાખાના ભેટનો મામલો ચૂંટણીપંચ સમક્ષ ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે ઈમરાનખાને પોતાના કાર્યકાળ દરમિયાન મળેલી ભેટ વેચી દીધી હતી. જવાબમાં ઈમરાનખાને ઈલેક્શન કમિશનને કહ્યું હતું કે આ બધી ભેટ તેમણે તોશાખાનામાંથી 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને 5.8 કરોડ રૂપિયામાં વેચી હતી. પરંતુ પછીથી આ રકમ 20 કરોડથી વધુ હોવાનું બહાર આવ્યું હતું.

આજ રોજ તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. લાહોર પોલીસે જમાન પાર્કમાંથી ઈમરાનની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે તેને 3 વર્ષની સજા તેમજ એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેઓ આગામી 5 વર્ષ સુધી ચૂંટણી પણ લડી શકશે નહીં.

કોર્ટે કહ્યું છે કે ઈમરાનખાને તોશાખાના કેસમાં પાકિસ્તાનના ચૂંટણીપંચને ખોટી માહિતી આપી હતી. તેઓ ભ્રષ્ટાચારમાં પણ સંડોવાયેલા છે. હવે ઈમરાન ખાન ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારી શકે છે. ચુકાદો આવતાં પહેલાં ખાને કેસની સુનાવણી માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ સિવાય ઈમરાનની પત્ની બુશરા બીબીને એન્ટી ક6રપ્શન એજન્સી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, કારણ કે બુશરાએ જ તોશાખાનાની કરોડો રૂપિયાની ભેટ વેચાણ માટે આપી હતી. અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈમરાન વિરુદ્ધ ખૂબ જ મજબૂત પુરાવા છે અને આ જ કારણ છે કે તે કોઈ ને કોઈ બહાને લાંબા સમય સુધી સુનાવણી ટાળવા માગે છે.