પાકિસ્તાનમાં એક જ દિવસમાં પેટ્રોલનાં ભાવમાં 19 રુપિયા પ્રતિ લિટરનો વધારો
પાકિસ્તાનમાં એક તરફ લોકોને બે ટંકનું ખાવાનું પણ નથી મળી રહ્યું તો બીજી બાજુ પાકિસ્તાન સરકાર પણ લોકોને પરેશાન કરવાનું બાકી નથી રાખતા. આર્થિક રીતે પડી ભાંગેલા પાકિસ્તાનની સ્થિતિ બદથી બદતર બની રહી છે તેવામાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 19 રુપિયાનો વધારો ઝીંકાયો છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડૉનમાં છપાયેલા રિપોર્ટ મુજબ, પાકિસ્તાનના ફાયનાન્સ મિનિસ્ટર ઈશાક ડારે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઈન્ટરનેશનલ માર્કેટમાં છેલ્લા 15 દિવસમાં હાઈ સ્પીડ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે- સરકાર પ્રયાસ કરી રહી હતી કે કઈ રીતે પેટ્રોલના ભાવમાં ઓછો વધારો કરવામાં આવે. તેમણે કહ્યું કે આ મુદ્દે વડાપ્રદાન શહબાઝ શરીફ સાથે પણ ચર્ચા થઈ. પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં વધારા બાદ હવે ત્યાં પેટ્રોલની કિંમત વધીને 272.95 રુપિયા અનેડીઝલની કિંમત 273.40 રુપિયા થઈ ગઈ છે. વધુમાં તેમણે કહ્યું કે- દેશહિતને ધ્યાનમાં રાખતા તે જરુરી હતું કે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવે. તેમણે કહ્યું કે હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં 19.90 રુપિયાનો વધારો કરાયો છે. હવે નવી કિંમત 273.40 રુપિયા પ્રતિ લીટર હશે. પેટ્રોલના ભાવમાં 19.95 રુપિયાનો વધારો થયો છે, ત્યારે હવે પેટ્રોલ 272.95 રુપિયા પ્રતિ લીટર મળશે. નવા ભાવ તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે. ડારે એમ પણ કહ્યું કે OGRAની અનુશંસા પર સરકારે પેટ્રોલના ભાવ વધાર્યાં છે.