મકરસંક્રાંતિનું પર્વ લોકો ખુશી-ઉલ્લાસ સાથે ઊજવી શકે અને કોઈ જાનહાનિ થાય નહીં એ માટે પોલીસ કમિશનરે ચાઇનીઝ દોરા, તુક્કલનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે તેમજ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના ફેલાય નહીં એ માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી થશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કર્યું છે, જાહેરનામા મુજબ 18 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં.
ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. લોકોની લાગણી દુભાય એવાં લખાણવાળી પતંગ ઉડાવી શકાશે નહીં. હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં. જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. ચાઇનીઝ દોરાને કારણે શરીર પર તીક્ષ્ણ કાપાઓ પડતા હોવાથી એનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.
લોકોની સમજણ પણ એટલી જ જરૂરી
મકરસંક્રાંતિ પૂર્વે પોલીસ કમિશનર હરહંમેશ જાહેરનામું પ્રસિદ્ધ કરતા હોય છે, જેનું મુખ્ય કારણ એ છે કે લોકો તહેવારને ખૂબ સારી રીતે માણી શકે અને કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને, પરંતુ લોકો ઘણીખરી વખત બેજવાબદાર બની ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરી સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ખરીદે છે, સામે વેચનારની પણ નૈતિક જવાબદારી છે કે જાહેનામાનું ચુસતપણે પાલન કરે.