પેટ્રોલિયમ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે ડીઝલના ભાવમાં 17થી 19 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં મહત્તમ 7 પૈસાનો વધારો થયો છે. આ વધારા સાથે દેશનાં ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત 90ની પાર પહોંચી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન લિટરદીઠ પેટ્રોલના ભાવમાં 50 પૈસા અને ડીઝલમાં 90 પૈસા જેવો વધારો થયો છે. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ રૂ. 90.63 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, જ્યારે જયપુરમાં ડીઝલ 80 રૂપિયાને પાર કરી ગયું છે. આ પહેલાં રવિવારે પેટ્રોલના ભાવમાં 8 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 19 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં પેટ્રોલ રૂ. 90ની નજીક
અમદાવાદ ખાતે નવા ભાવવધારા બાદ પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂ. 78.97 થયો છે. પેટ્રોલ પંપ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, ભાવવધારો ચાલુ રહેશે તો આવતા બે-ચાર દિવસમાં પેટ્રોલનો દર ગુજરાતમાં પણ રૂ. 90 પ્રતિ લિટર થઇ શકે છે. આજે સોમવારે ડીઝલનો રેટ રૂ. 76.67 પ્રતિ લિટર પર પહોંચ્યો છે.
દેશનાં મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેર | પેટ્રોલ (રૂ/લિટર) | ડીઝલ (રૂ/લિટર) |
અમદાવાદ | 78.97 | 76.67 |
દિલ્હી | 88.23 | 71.23 |
મુંબઈ | 84.59 | 77.73 |
ચેન્નઈ | 89.24 | 76.72 |
ઇન્દોર | 89.21 | 78.91 |
ભોપાલ | 82.00 | 78.86 |
નોઇડા | 84.15 | 71.73 |
જયપુર | 88.73 | 80.13 |
પટના | 84.15 | 76.80 |
શુક્રવારથી ભાવ વધવાના શરુ થયા
ઓઇલ કંપનીઓએ શુક્રવાર 20 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો શરૂ કરી દીધો છે. આ 4 દિવસમાં પેટ્રોલ 47 પૈસા અને ડીઝલ 80 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. 22 નવેમ્બરથી પેટ્રોલના ભાવ સ્થિર હતા, જ્યારે ડીઝલના ભાવ 2 ઓક્ટોબરથી યથાવત્ રહ્યા હતા.