વડોદરામાં 21 કરોડના સોના-ચાંદીના વેચાણનો અંદાજ, રાજકોટ, અમદાવાદ, સુરતમાં ખરીદીમાં 50 ટકા જેટલો ઘટાડો

કોરોના મહામારી વચ્ચે દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઇ છે. ખાસ કરીને ધનતેરસના દિવસે શુકનનું સોનું ખરીદવાનો મહિમા છે,ત્યારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં લોકોએ સોના-ચાંદીની ખરીદી કરી શુકન સાચવ્યું હતું. આ અંગે ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો એક ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. વડોદરામાં ધનતેરસના દિવસે રૂપિયા 18 કરોડનું સોનું અને રૂપિયા 3 કરોડની ચાંદી વેચાય એવી શક્યતા છે. તેમાં પણ ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં ધનતેરસે વધુ સોના-ચાંદીનું વેચાણ થાય એવી સંભાવના છે. શુકનનું સોનું ખરીદવા વડોદરાવાસીઓએ જ્વેલર્સના શો-રૂમ અને સોનીબજારમાં ભીડ જમાવી હતી, જેને પગલે સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો. જ્યારે સુરત, અમદાવાદ અને રાજકોટમાં સોના-ચાંદીની ખરીદીમાં 50 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

કોરોનાના કારણે દરેક બજારમાં મંદીની અસર: જ્વેલર્સ ગણદેવીકર

કોરોનાના કારણે દરેક બજારમાં મંદીની અસર: જ્વેલર્સ ગણદેવીકર

વડોદરાઃ 18 કરોડનું સોનું અને 3 કરોડની ચાંદીના વેચાણનો અંદાજ
વડોદરાના જાણીતા ગણદેવીકર જ્વેલર્સના માલિક ગિરીશભાઈ ગણદેવીકરે જણાવ્યું હતું કે કોરોનાના કારણે દરેક બજારમાં મંદીની અસર જોવા મળી રહી છે. રાત સુધીમાં વડોદરામાં સોનું-ચાંદી મળીને 20થી 21 કરોડ રૂપિયાનું વેચાણ થાય તેવી શક્યતાઓ છે, જેમાં સોનું રૂપિયા 18 કરોડ અને ચાંદી રૂપિયા 3 કરોડનું વેચાય એવો અંદાજ છે. ગુરુપુષ્ય નક્ષત્ર કરતાં આજે ધનતેરસમાં વધુ વેચાણ થાય એવું સવારથી છૂટેલી ઘરાકી પરથી જણાય છે.

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં સોનાના ભાવમાં રૂપિયા 1000નો ઘટાડો થયો

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં સોનાના ભાવમાં રૂપિયા 1000નો ઘટાડો થયો

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં આજે સોનાના ભાવમાં એક હજારનો ઘટાડો
ગણદેવીકર જ્વેલર્સના માલિક ગિરીશભાઈ ગણદેવીકરે વધુમાં જણાવ્યું કે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં સોનાના ભાવમાં રૂપિયા 1000નો ઘટાડો છે, એટલે કે આજે સોનાનો પ્રતિ તોલાનો ભાવ રૂપિયા 53 હજાર છે, જ્યારે ચાંદીના ભાવમાં કોઇ વધ-ઘટ નથી. આજે(12 નવેમ્બર) ચાંદી પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 67 હજાર છે. ધનતેરસના દિવસે લોકોનો શુકન માટે ચાંદીના સિક્કા, સોનાની ચીજવસ્તુઓ ખરીદવાનો ટ્રેન્ડ હોય છે. મોટા ભાગના લોકો ધનતેરસના દિવસે સોનાની લગડી ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે. સવારથી સોનીબજારમાં ઘરાકી હોવાથી વેપારીઓ ખુશ છે.

ગ્રાહકો સોનાની લગડી અને ચાંદીના સિક્કા ખરીદી રહ્યા છે

ગ્રાહકો સોનાની લગડી અને ચાંદીના સિક્કા ખરીદી રહ્યા છે

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં ધનતેરસે ઘરાકી સારી છે
રાધે જ્વેલર્સના માલિક જયેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું હતું કે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં આજે ધનતેરસના દિવસે ઘરાકી સારી છે. નાના-મોટા તમામ જ્વેલર્સનાં શોરૂમો અને દુકાનોમાં ગ્રાહકો સોનાની લગડી અને ચાંદીના સિક્કા ખરીદી રહ્યા છે. ધનતેરસના દિવસે શુકનનું સોનું ખરીદવાનો મહિમા હોવાથી લોકો એક હજાર રૂપિયાથી લઇને પોતાની કેપિસિટી પ્રમાણેનું સોનું ખરીદી કરે છે. આજે ધનતેરસના દિવસે લોકો આગામી શરૂ થતા લગ્નસરા માટે પણ સોનું-ચાંદીને ખરીદે છે એવા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે આજે ધનતેરસના દિવસે માત્ર લોકો શુકનનું સોનું-ચાંદીની ખરીદી કરે છે. લગ્ન માટેની ખરીદી લાભ પાંચમ પછી શરૂ થશે. આજે ઘરાકી નીકળતાં નાના-મોટા વેપારીઓ ખુશ છે.