મર્ડર:સુરતમાં હત્યા બાદ લાશને દીવાલમાં ચણી દેવાયાની ઘટનામાં ઘટસ્ફોટ, દારૂની પાર્ટીમાં ધંધાની નુકસાનીની ઉઘરાણીમાં હત્યા થઈ હતી, મૃતક દારૂ ભરેલી કાર ખાલી કરવા જતાં દારૂ પકડાઈ ગયો હતો
સુરત5 કલાક પહેલા
આરોપી રાજુ બિહારીની ફાઈલ તસવીર.
- 1.25 લાખનો દારૂ ઝડપાઈ જતાં ધંધામાં નુકસાની થઈ હતી
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં હત્યા કરીને દીવાલમાં દફનાવવામાં આવેલી લાશને સુરત પોલીસે 5 વર્ષ બાદ શોધી કાઢી છે. પાંડેસરા પોલીસે બાતમીના આધારે હત્યારાને ઝડપી પાડી મર્ડર મિસ્ટ્રી ઉકેલી કાઢી છે, જેમાં નવો ઘટસ્ફોટ થયો છે. આરોપીએ કબૂલાત કરી છે કે 19 વર્ષીય મૃતક શિવમ દારૂ ભરેલી કાર ખાલી કરવા ગયો હતો. જોકે દારૂ પકડાઈ ગયો હતો, જેની નુકસાનીને લઈને દારૂ પાર્ટીમાં ઉઘરાણી કરતાં ઝઘડો થયો હતો અને હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ હત્યાને છુપાવવા માટે લાશને દીવાલમાં ચણી દીધી હતી.
ઘટના શું હતી?
આરોપી રાજુ બિહારીએ તેના મિત્રની 5 વર્ષ પહેલાં હત્યા કરી લાશને તેના જ ઘરની દીવાલમાં ચણી દીધી હતી. જેથી ડીસીબી-પાંડેસરા પોલીસનો સ્ટાફ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને એફએસએલને સાથે રાખી ઘરની અંદરથી દાદરની નીચે દીવાલ અને સિમેન્ટનું પ્લાસ્ટર તોડતાં લાશના અવશેષો મળી આવ્યા હતા. અવશેષો લઈ એને પીએમ માટે નવી સિવિલમાં મોકલી આપ્યા હતા. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા રાજીવ ઉર્ફે રાજુ બિહારી સૂરજનસિંગ રાજપૂત (37)(મૂળ રહે,બિહાર)ની સામે કાર્યવાહી કરી છે, જ્યારે તેના સાગરીતોમાં વિપુલ ઉર્ફે વિપુલ ભૈયા સોમા પાટીલ, અજય ઉર્ફે અંચલ રાજુ પ્રધાન, શૈલેન્દ્ર ઉર્ફે ગુડ્ડુ લંગડો નિખિલેશ શર્મા, મીટુ મામા અને ભગવાન માલિયાને શોધવાની તજવીજ શરૂ કરી છે.
1.25 લાખના નુકસાનની ભરપાઈ માટે ઉઘરાણી હતી
પોલીસે અગાઉ પાંચથી છ વખત પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂકેલા માથાભારે બૂટલેગર અને શિવમની હત્યાના માસ્ટર માઇન્ડ રાજુ બિહારીની સત્તાવાર ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં જણાવ્યું હતું કે શિવમની હત્યા કરી હતી તેના પંદર-વીસ દિવસ અગાઉ રાજુ બિહારીએ રાત્રે દારૂ ભરેલી કાર ખાલી કરવા માટે શિવમને મોકલ્યો હતો. બીજા દિવસે સવારે શિવમે ફોન કરી દારૂ પોલીસે ઝડપી પાડયો છે હોવાનો કોલ રાજુને કર્યો હતો, જેથી રાજુ બિહારીને શંકા ગઇ હતી કે કારમાં દારૂનો અંદાજે 1.25 લાખનો જે જથ્થો હતો એ શિવમે બારોબાર વેચી દીધો છે અથવા તેણે જ પોલીસને બાતમી આપી છે, આથી જે 1.25 લાખનું નુકસાન થયું હતું એ ભરપાઇ કરવા શિવમ પાસે ઉઘરાણી કરતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો.
નશામાં ચૂર રાજુએ ઉઘરાણી કર્યા બાદ થયેલા ઝઘડામાં હત્યા કરી નાખી
1 નવેમ્બર 2015ના રોજ શિવમ રાજુ બિહારીને મળવા તેના ઘરે ગયો હતો, જયાં અગાઉથી જ રાજુ બિહારી તેના મિત્ર વિપુલ ઉર્ફે ભૈયા સોમા પાટીલ, અજય ઉર્ફે અંચલ રાજુ પ્રધાન, શૈલેન્દ્ર ઉર્ફે ગુડ્ડુ લંગડો નિખિલેશ શર્મા, મિટ્ટુ મામા, ભગવાન માલ્યા અને રાજેશસિંગ ઉર્ફે દનદનસિંગ ઉર્ફે છોટુ ઉર્ફે હરહર મહાદેવ રાજપૂત સાથે દારૂની પાર્ટી માણી રહ્યા હતા, જેથી શિવમે પણ તેમની સાથે મિજબાની માણી હતી અને ત્યાર બાદ નશામાં ચૂર રાજુએ ઉઘરાણી કરતાં તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ગદડાપાટુનો માર મારી મોતને ઘાત ઉતારી લાશને દીવાલમાં ચણી દીધાની કબૂલાત કરી હતી.
શિવમ તરુણવયે જ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશી ચૂક્યો હતો
મૃતક શિવમના પરિવારમાં માતા-પિતા અને ભાઈ માતા છે અને મૂળ યુપીનો હતો. 5 વર્ષ પહેલાં શિવમ ઉર્ફે કિશનની હત્યા થઈ છતાં પરિવારે શોધવાની તસદી તો દૂરની વાત પોલીસમાં ગુમ થયાની પણ જાણ કરી ન હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે, શિવમ તરુણવયે જ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશી ચૂક્યો હતો. ત્રણેકવાર દારૂના ગુનામાં જેલવાસ ભોગવી ચૂકેલો શિવમ પરિવારના કહ્યામાં પણ ન હતો. પાંચ વર્ષથી ગુમ શિવમ સંભવતઃ કોઈક ગુનામાં જેલમાં હોવાની પરિવારને આશંકા હતી. જેથી તેની શોધખોળ પણ ન કરી હતી.