વસ્ત્રાપુર પોલીસે તોડની રકમનો વ્યવહાર આંગડિયા મારફત કર્યો, ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ શરૂ અને પીઆઇ વાય. બી. જાડેજા કોરોના પોઝિટિવ

શહેરના એસજી હાઇવે પરથી વસ્ત્રાપુર પોલીસે કોલસેન્ટરના માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કર્યો હોવાની ઘટના મામલે રાજ્ય પોલીસવડાના તપાસના આદેશ બાદ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી ચૂડાસમાને સોંપી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર તોડકાંડની રકમનો હવાલો આંગડિયા પેઢી મારફત કરવામાં આવ્યો છે. આંગડિયા પેઢીમાં રૂ.30 લાખની રકમ મોકલવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના “યશ” લેવાવાળા કોન્સ્ટેબલ વહીવટદારે રકમ લીધી હોવાની ચર્ચા છે. જોકે હજી સુધી આ કોન્સ્ટેબલની પૂછપરછ ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તોડકાંડ મામલે પૂછપરછ સમયે જ PI કોરોના પોઝિટિવ થઈ ગયા
બીજી તરફ, તોડકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી આખો દિવસ બેસાડી પૂછપરછ અને નિવેદનો લેવામાં આવતાંની સાથે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.બી.જાડેજા કોરોના પોઝિટિવ થઈ ગયા છે. કોરોના પોઝિટિવ આવતાં તેમણે હવે કવોરન્ટીન થઈ ગયા છે. તોડકાંડ મામલે સોમવારે PSI એમ.બી.જાડેજાના નિવેદન બાદ મંગળવારે, એટલે કે આજે વાય.બી.જાડેજાને બોલાવી તેમની પૂછપરછ અને નિવેદન લેવાય એવી શક્યતા હતી, પરંતુ પીઆઇ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. પીઆઇ જાડેજા કોરોના પોઝિટિવ આવતાંની સાથે શહેર પોલીસમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે પોલીસ તપાસ ચાલુ થતાં જ પીઆઇ જાડેજાએ રિપોર્ટ કરાવ્યો? ખરેખર તેઓ કોરોના પોઝિટિવ છે કે પછી તપાસમાં સહકાર ન આપવા તેઓ કવોરન્ટીન થઈ ગયા છે. શું હવે ક્રાઈમ બ્રાન્ચ વાય.બી.જાડેજાનું ઓનલાઇન નિવેદન નોંધશે? કે પછી સમગ્ર મામલાને હવે દબાવવામાં આવશે?

ACBની આંગડિયાના વ્યવહાર પર બાજનજર
વસ્ત્રાપુર પોલીસના રૂ.65 લાખના તોડકાંડમાં એક આંગડિયા પેઢી મારફત જ વ્યવહાર થયા હોવાનું બહાર આવ્યું છે, ત્યારે હવે પોલીસકર્મીઓ પણ આવા તોડ માટેના નાણાકીય વ્યવહાર આંગડિયા પેઢીમાં કરતા થઈ ગયા છે. મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI શ્વેતા જાડેજાના તોડ કેસમાં પણ શ્વેતાએ આંગડિયા પેઢી મારફત જ સમગ્ર રકમનો વ્યવહાર કર્યો હતો, જેથી હવે ACBએ આવા આંગડિયાના વ્યવહાર પર પણ બાજનજર રાખવી પડશે.