રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પાર્કિગમાંથી જમા લીધેલી કાર આરોપી કાર માલિક લઈને ફરાર થઈ ગયો

રિવરફ્રન્ટ રોડ પર દારૂ પીને કાર ચલાવવાના ગુનામાં જમા લેવામાં આવેલી કાર રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી જ ચોરી થઈ હતી. પોલીસે કાર ચોરીની તપાસ માટે કાર માલિકનો ફોટો સિક્યુરિટી ગાર્ડને બતાવતા આ જ શખ્સ ચોરી કરી લઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે કાર માલિક સામે ગુનો નોંધી તેની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે.

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના સામેના પાર્કિંગમાં પોલીસ સ્ટાફ કબ્જે લીધેલ વાહનો, પોલીસના ટુ વ્હીલર, રિક્ષાઓ વગેરે પાર્ક કરવામાં આવે છે. રિવરફ્રન્ટ પોલીસે ગુરુવારે દારૂ પીને ગાડી ચલાવવાના ગુનામાં નરોડાના અજંતા ઇલોરા ફ્લેટમાં રહેતા યજ્ઞેશ પટેલની ધરપકડ કરી ગ્રાન્ડ આઈ 10 કાર રૂ.3 લાખની કબ્જે લઈ પોલીસ સ્ટેશનની સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરી હતી. શુક્રવારે રાત્રે આઠ વાગ્યે પોલીસ શિફ્ટ બદલાતી હોય, તે સમયે પોલીસ કર્મચારીઓનું ધ્યાન ગયું હતું કે, ગુરુવારે જમા લીધેલી કાર ગાયબ થઈ છે.

પોલીસે જમા લીધેલી કાર ગાયબ થઈ જતા સ્ટાફે કાર શોધવા દોડધામ કરી મૂકી હતી. રિવરફ્રન્ટમાં સ્થળ પર દેખરેખ માટે મૂકવામાં આવેલા પેંથર કંપનીના ગાર્ડ શોહિલ અબ્દુલ મન્સૂરીને પોલીસે પૂછતાં તેણે લાલ ટીશર્ટ, જીન્સ પહેરેલો ઘઉંવર્ણનો મજબૂત બાંધાનો અને નાના વાળ વાળો યુવક કાર લઈ ગયાનું જણાવ્યું હતું. પોલીસે કાર જમા લીધી તે સમયે આરોપી યજ્ઞેશનો ફોટો લીધો હતો. જે મોબાઈલમાં લીધેલો ફોટો સિક્યુરિટી ગાર્ડ સોહિલને પોલીસે બતાવ્યો હતો. સોહિલએ આ જ યુવક કાર લઈ ગયાનું પોલીસને જણાવ્યું હતું. રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસે કારની ચોરી અંગે તેના માલિક યજ્ઞેશ વિરુદ્ધ પોતાની જ કાર પોલીસ કસ્ટડીમાંથી ચોરી જવા અંગેનો ગુનો નોંધ્યો હતો.