શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 6 લાખ કરોડ ‘સ્વાહા’ સેન્સેક્સ 790 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 22 હજારની સપાટી ગુમાવી,

Stock Market Crash

BSEની માર્કેટ કેપ એક દિવસ પહેલા 392 લાખ કરોડ રૂપિયાની નજીક હતી જે ઘટીને 386 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ

બુધવારનો દિવસ શેરબજાર માટે ખૂબ જ ખરાબ રહ્યો. PSU બેંક, રિયલ એસ્ટેટ, ઓટો, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીને પગલે આજે શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. બીએસઈ સેન્સેક્સ 790 એટલે કે 1.08 ટકા ગગડીને 72,304 પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી 247 પોઇન્ટના તીવ્ર કડાકા સાથે 21,951 પર બંધ રહ્યો છે. નિફ્ટી મિડકેપ, સ્મોલકેપ અને માઇક્રોકેપ ઇન્ડેક્સમાં બે-બે ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બુધવારના બિઝનેસ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી ટોચથી નીચે આવી ગયા. શેરબજારમાં ફ્યુચર્સ ટ્રેડિંગની મંથલી એક્સપાયરી પહેલા જ નિફ્ટી 22,000ની નીચે સરકી ગયો હતો. નિફ્ટી 15 ફેબ્રુઆરી બાદ 22 હજારની સપાટી નીચે પહોંચી ગયો છે. ત્યારે સેન્સેક્સ લગભગ એક ટકા ઘટીને 72,300 ના સ્તર પર પહોંચી ગયો. ઘટાડાની સૌથી વધુ અસર બ્રોડર માર્કેટમાં જોવા મળી હતી.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં લગભગ તમામ સેક્ટરના શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સની 30 પૈકી 27 કંપનીના શેરોમાં મંદી જ્યારે નિફ્ટીના 50 પૈકી 46 કંપનીના શેરોમાં મંદી જોવા મળી છે. બુધવારે ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં સૌથી વધુ વેચવાલી ઓટો, મીડિયા, સરકારી બેંકિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં નોંધાઈ. ખાસ કરીને પાવરગ્રિડ, બજાજ ઓટો, અપોલો હોસ્પિટલ, આઈસર મોટર્સ, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટના શેરોમાં વેચવાલીનું જોરદાર દબાણ રહ્યું હતું. જોકે હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, TCSના શેરો સુધારા સાથે બંધ રહેવામાં સફળ રહ્યા હતા.

શેરબજારમાં ઘટાડાને કારણે બુધવારે દલાલ સ્ટ્રીટના રોકાણકારોને અંદાજિત 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. BSEની માર્કેટ કેપ એક દિવસ પહેલા 392 લાખ કરોડ રૂપિયાની નજીક હતી. જે આજે ઘટીને 386 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.