ઓસ્ટ્રેલિયન પ્લેયર ડેવિડ વોર્નરે વન-ડેમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે

david-warner

વર્ષના પહેલા દિવસે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરત કરી ડેવિડ વોર્નરે ફેન્સને ચોંકાવ્યા
સિડનીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વોર્નરે કહ્યું હતું કે હું ચોક્કસપણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું

ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલા જ તેણે જાહેર કર્યું હતું કે પાકિસ્તાન સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ સિરીઝ છે તે પછી તે નિવૃત્તિ લેશે પરંતુ તેની વચ્ચે તેણે ODIમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના સત્તાવાર ID દ્વારા વોર્નરની ODIમાંથી નિવૃત્તિની પુષ્ટિ કરી હતી. 3 જાન્યુઆરીથી સિડનીમાં પાકિસ્તાન સામે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. આ પછી ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લેવા જઈ રહ્યો છે. આ વિશે વોર્નર પહેલા જ જણાવી ચૂક્યો છે. વોર્નરની આ જાહેરાતથી તેના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પહેલા તેણે આજે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આજે એટલે કે 1 જાન્યુઆરીએ સિડનીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વોર્નર ભાવુક થઈ ગયો હતો અને તેણે કહ્યું હતું કે હું ચોક્કસપણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ મેં ODI કપ દરમિયાન કહ્યું હતું. ભારતમાં વનડે વર્લ્ડ કપ જીતવો એ એક મોટી ઉપલબ્ધિ છે. ‘મેં આજે તે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે, જે મને વિશ્વભરની અન્ય લીગમાં રમવાની મંજૂરી આપે છે અને ODI ટીમને થોડો વિકાસ કરવામાં મદદ કરે છે.

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવાની સાથે ડેવિડ વોર્નરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પરત ફરવાના સંકેત પણ આપ્યા છે. નિવૃત્તિની જાહેરાત કરતા ડેવિડ વોર્નરે કહ્યું કે જો તે સારું ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની જરૂર પડશે તો તે ચોક્કસપણે ટીમ માટે હાજર રહેશે.

વોર્નરે T20 પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વન-ડે માંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ટીમનો ભાગ બની શકે છે. તે જ સમયે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા પછી, તે બિગ બેશમાં સિડની થંડર માટે ઓછામાં ઓછી ચાર મેચ રમશે. આ પછી તે ILT20માં દુબઈ કેપિટલ્સ તરફથી રમી શકશે. તેણે ILT20 લીગમાં રમવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસેથી NOCની વિનંતી કરી છે. જેમાં દુબઈની ટીમની પ્રથમ મેચ 21 જાન્યુઆરીએ રમાશે. હવે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વોર્નર T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. જે બાદ ડેવિડ વોર્નર ટી20 વર્લ્ડ કપ 2024માં રમતા જોવા મળશે.

ડેવિડ વોર્નર ગયા વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો ટોપ સ્કોરર હતો. તેણે ODI વર્લ્ડ કપમાં રમાયેલી 11 મેચમાં 48.63ની એવરેજથી 535 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 108.29 હતો. તેણે 2 સદી અને 2 અડધી સદી પણ ફટકારી હતી.

ડેવિડ વોર્નરે 2011માં બ્રિસ્બેનમાં ન્યૂઝીલેન્ડ સામે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. અત્યાર સુધી રમાયેલી 111 ટેસ્ટ મેચમાં તેણે 44.58ની એવરેજથી 8695 રન બનાવ્યા છે. જેમાં 26 સદી અને 36 અડધી સદી સામેલ છે.

ડેવિડ વોર્નરે 2009માં ઓસ્ટ્રેલિયા માટે વન-ડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 161 મેચ રમી છે, જેમાં તેના નામે 6932 રન છે. આ દરમિયાન તેણે 22 સદી અને 33 અડધી સદી ફટકારી છે. વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેવિડ વોર્નરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ 179 રનની રહી છે. વોર્નરે સાઉથ આફ્રિકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તેણે સાઉથ આફ્રિકા સામે તેની પ્રથમ વનડે અડધી સદી પણ ફટકારી હતી.