જે પણ લોકો અમારા દેશની એકતા, અખંડતા, સાર્વભૌમત્વ અને સંપ્રભુતા વિરુદ્ધ કામ કરશે, તેને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે
ભારત સરકારે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ જૂથ)ને ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું કે દેશ વિરોધી પ્રવૃત્તિઓને પગલે આ સંગઠન પર ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (UAPA) અંતર્ગત પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. આ સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.
અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટ પર જાણકારી આપી
અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે- મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)/ MLJK-MAને UPPA અંતર્ગત ગેરકાયદે સંગઠન જાહેર કરાયું છે. આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન કરે છે. આ ઉપરાંત લોકોને જમ્મુ કાશ્મીરમાં ઈસ્લામી શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે.
ગૃહમંત્રીએ આ સાથે લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે જે પણ લોકો અમારા દેશની એકતા, અખંડતા, સાર્વભૌમત્વ અને સંપ્રભુતા વિરુદ્ધ કામ કરશે, તેને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે અને કડક હાથે તેમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે. મસરત આલમ 2019થી તિહાડ જેલમાં બંધ છે.
મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર પર પ્રતિબંધ મામલેની જાણકારી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે સંગઠન ભારતવિરોધી અને પાકિસ્તાન સમર્થક પ્રોપગેન્ડા માટે જાણીતું છે, જેનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને ભારતથી આઝાદ કરીને પાકિસ્તાન સાથે જોડવાનો અને ત્યાં ઇસ્લામિક શાસન સ્થાપવાનો છે. આ સંગઠનના સભ્યો કાશ્મીરમાં અલગાવવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા.
સરકારે જણાવ્યું છે કે, સંગઠનના સભ્યો અને નેતાઓ પાકિસ્તાન અને ત્યાં સક્રિય સંગઠનો પાસેથી ફંડ પણ ઉઘરાવતા હતા અને તેનો ઉપયોગ ભારતમાં આતંકી ગતિવિધિઓને સમર્થન કરવા માટે અને સુરક્ષાબળો પર હુમલા કરવા માટે કરતા હતા. ઉપરાંત, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાના અનેક ઇનપુટ્સ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે.
કોણ છે મસરત આલમ?
મસરત આલમ ભટ 2019થી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે, તેને 2021માં કાશ્મીરી કટ્ટરપંથી અલગાવવાદી જૂથ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (એપીએચસી)નો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. એનઆઈએએ 50 ટેરર ફંડિંગ કેસમાં કેસ નોંધ્યો ત્યારથી તે તિહાડ જેલમાં છે. આ પહેલા પણ મસરત આલમની 2010માં કાશ્મીર વેલીમાં મોટા પાયે સાર્વજનિક વિરોધ પ્રદર્શનોમાં તેની કથિત ભૂમિકા માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આલમ સામે 27 એફઆઈઆર નોંધાયેલી છે અને 36 વખત પીએસએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર શું છે?
મુસ્લિમ લીગ મસરત આલમ ગ્રૂપની અધ્યક્ષતા મસરત આલમ ભટ કરે છે. આ સંગઠન પોતાના રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાન સમર્થકના પ્રચાર માટે ઓળખાય છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવા માગે છે કે જેથી જમ્મુ અને કાશ્મીરનું પાકિસ્તાનમાં વિલય થઈ શકે અને જમ્મુ કાશ્મીરમાં ઈસ્લામી શાસન સ્થાપિત કરી શકાય. આ સંગઠનના સભ્ય જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી સંબંધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેના નેતા અને સભ્યો આતંકવાદીના સમર્થન કરવા જમ્મુ અને કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સ પર સતત પથ્થરમારા સહિત અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ રહે છે. આ સંગઠન પાકિસ્તાન અને તેના પ્રોક્સી સંગઠનો સહિત વિભિન્ન સ્ત્રોતોથી ધન એકઠું કરે છે. સાથે જ પોતાની પ્રવૃત્તિઓથી દેશની બંધારણિય સત્તા અને બંધારણિય વ્યવસ્થાનો અનાદર કરે છે.
ગૃહ મંત્રાલય મુજબ હાલ દેશમાં 42 સંગઠનો આતંકી સંગઠન જાહેર થયા છે એટલે કે તેમના પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. તેમાં અનેક ખાલિસ્તાની સંગઠન, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, લિટ્ટે અને અલકાયદા જેવા 42 સંગઠનો સામલે છે.