‘INDIA’ ગઠબંધનની બેઠક પૂર્ણ, સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે દેશભરમાં 22 ડિસેમ્બરે દેખાવો

India-gathbandhan

બેઠકમાં મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખડગેને PM કેન્ડીડેટ બનાવવા મૂક્યો પ્રસ્તાવ, અરવિંદ કેજરીવાલે મમતા બેનર્જીના પ્રસ્તાવને આપ્યું સમર્થન

નવી દિલ્હીની અશોકા હોટલમાં આજે INDIAગઠબંધનની ચોથી બેઠક થઈ હતી. આ બેઠકમાં RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ, JDU અધ્યક્ષ નીતીશ કુમાર, TMC સુપ્રીમો મમતા બેનર્જી દિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સામેલ થયા હતા. આ પહેલા ગઠબંધનની પહેલા 3 બેઠકો પટના બેંગલુરુ અને મુંબઈમાં મળી ચૂકી છે..

બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામો, સંસદમાં સુરક્ષામાં ચુક, સંસદની શિયાળુ સત્રમાં વિપક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ચર્ચા થઈ છે. ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા થઈ છે. બેઠકમાં નીતીશ કુમારે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો ઈન્કાર કરી દીધો છે, તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ મમતા બેનર્જીના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.

કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાને વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર જાહેર કરવાના પ્રસ્તાવ પર ટિપ્પણી કરતાં કહ્યું છે કે વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ જાહેર કરતાં પહેલા લોકસભા ચૂંટણી જીતવી જરૂરી છે.

બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે 2-3 કલાક સુધી અમે ચર્ચા વિચારણા કરી છે અને રણનીતિ પર સહમતી વ્યક્ત કરી છે. 146 સાંસદોના સસ્પેન્શનના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે અને આ મુદ્દે આકરી ટીકા કરી છે અને એક પ્રસ્તાવ પસાર કર્યો છે કે આ અલોકતાંત્રિક બાબત છે. વધુમાં તેમણે કહ્યું કે, ગઠબંધનની ચોથી બેઠકમાં 28 પક્ષોએ ભાગ લીધો હતો. દેશમાં 8થી 10 બેઠકો યોજવાનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે, અમે પ્રસ્તાવ પાસ કર્યો છે કે, લોકતંત્રને બચાવવું હોય તો તમામે સાથે મળીને લડવું પડશે. સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે દેશભરમાં 22 ડિસેમ્બરે દેખાવો કરાશે.

બેઠક અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, બેઠક સારી રીતે યોજાઈ. આગામી સમયમાં સીટ શેરિંગ પર પણ ચર્ચા થશે. હવે ઝુંબેશ શરૂ થશે.’ તેમણે એમ પણ કહ્યું કે, ગઠબંધનના કન્વીનર અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

બેઠકમાં TMCએ INDI ગઠબંધનની અનેક પાર્ટીઓ સાથે મળીને તમામ બેઠકોના શેરિંગને લઈને ચર્ચા પૂર્ણ કરવા માટે 31 ડિસેમ્બર 2023 સુધીની સમય સીમા નક્કી કરી છે.

આ બેઠક પહેલા કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 5 સભ્યોની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની રચના કરી છે. જેમાં અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશને આ સમિતિના સભ્યો બનાવવામાં આવ્યા છે. મુકુલ વાસનિકને સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા છે.

દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, ડીએમકે નેતા, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, એનસીપીના વડા શરદ પવાર, આરએલડી નેતા જયંત ચૌધરી, સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. જ્યારે ઝારખંડના મુખ્યંત્રી હેમંત સોરેન વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં જોડાયા હતા.