BRTS અને AMTSમાં મુસાફરી માટે ‘વન અમદાવાદ’ સ્માર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવાશે, AMTSના ચેરમેન શ્રી પરાગભાઈ નાઈક

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવા આગામી અઢીથી ત્રણ વર્ષમાં અંદાજે 800 સ્માર્ટ બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. આ સ્માર્ટ બસ સ્ટેન્ડમાં GPS, રૂટ મેપ, LED લાઇટિંગ અને રિયલ ટાઈમ ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.- આગામી સમયમાં નાગરિકોને વધુ સારી સુવિધા મળે એ માટે AMTSની એપ્લિકેશન મારફતે નાગરિકો ઘરે બેઠા બસના આગમનનો સમય જાણી શકશે તેમજ ટિકિટ બુકિંગની સુવિધાનો લાભ લઈ શકશે તેવી વિશેષ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે સાથે મેટ્રો, BRTS અને AMTSમાં મુસાફરી માટે ‘વન અમદાવાદ’ સ્માર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવાશે, જેના થકી એક જ કાર્ડથી ત્રણેય પરિવહન સેવાઓનો ઉપયોગ કરી શકાશે. અમદાવાદ શહેરની સાથે ઔડા વિસ્તારમાં પણ AMTS બસ સેવાનો વ્યાપ વધારવામાં આવશે. આમ, સ્માર્ટ ટેકનોલોજી અને એકીકૃત પરિવહન વ્યવસ્થા થકી અમદાવાદની જાહેર પરિવહન સેવા વધુ સુલભ બનશે તેમ AMTSના ચેરમેન શ્રી પરાગભાઈ નાઈકે જણાવ્યું હતું.