રક્ષાબંધન: 9મીએ બહેનો ભાઈઓને રાખડી બાંધવા માટે AMTS-BRTSમાં મુસાફરી નિ:શુલ્ક કરી શકશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત AMTS અને BRTS બસમાં મહિલાઓ રક્ષાબંધનના દિવસે નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. ભાઈ બહેનના પવિત્ર તહેવારને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો.

અમદાવાદ: ભાઈ અને બહેનનો પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. રક્ષાબંધનના પર્વને લઈને બહેનોને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં બહેનો પોતાના ભાઈને મળવા એક સ્થળેથી બીજા સ્થળે જતી હોય છે. ત્યારે મ્યુનિસિપલ દ્વારા બહેનો સંપૂર્ણ પણે મફત મુસાફરી કરવાની સેવા આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયથી બહેનોને મુસાફરી ખર્ચમાં રાહત મળશે અને ભાઈઓને રાખી બાંધવા જવામાં બહેનોને સરળતા રહેશે.

અમદાવાદ જનમાર્ગ લિમિટેડ BRTS તરફથી જાહેર જનતાની માહિતી આપવામાં આવી છે કે, આગામી 9 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે બહેનો માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણ મફત રાખવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી માટે સુરક્ષિત અને સરળ રીતે મુસાફરી કરી શકે તે હેતુસર આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી શરુ થતી બસથી લઈને મોડી રાતની છેલ્લી બસમાં મહિલાઓ મફત મુસાફર કરી શકશે. આ દિવસે મહિલાઓ પાસેથી ટિકિટ માટેનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

રક્ષાબંધન અને ફ્રી બસ સેવાને લઈને અમદાવાદ શહેરની મેયર પ્રતિભા જેને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે વધુમાં લખ્યું કે, “શનિવારના રોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે મહિલાઓને નિશુલ્ક રૂપે AMTS બસોમાં મુસાફરીની સ્પેશિયલ સેવાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, “9મી ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે બહેન ભાઈના ઘરે રાખડી બાંધવા માટે જાય છે તો બહેન માટે અમદાવાદ મહાનગરપાલિકાએ મહાનગર સંચાલિત BRTS બસોમાં તે દિવસે બહેનોને નિશુલ્ક મુસાફરી કરવામાં આપવામાં આવશે. આ દિવસે બહેનો સવારથી રાત સુધી BRTS બસમાં મફતમાં મુસાફરી કરી શકશે.”