અમદાવાદથી લંડન ગેટવિક જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડીવાર પછી એરપોર્ટ નજીક મેઘનાની નગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં 240 પેસેન્જરોનાં મોત નિપજ્યા છે. સાથે જ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં નિધન થયું છે. અને 1 મુસાફરનો જીવ બચી ગયો છે. તેવામાં ટાટા ગ્રુપે જાહેરાત કરી કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ₹1 કરોડ મળશે.
ટાટા ગ્રુપે 12 જૂનના રોજ બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાના વિમાન સાથે થયેલા અકસ્માત અંગે મોટી જાહેરાત કરી છે. ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે 1 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા ફ્લાઇટ 171 સાથે થયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. એન. ચંદ્રશેખરને કહ્યું છે કે ટાટા ગ્રુપ આ દુઃખની ઘડીમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયોની સાથે ઉભું છે.
ઘાયલોની સારવારનો ખર્ચ ટાટા ગ્રુપ ઉઠાવશે
ટાટા ગ્રુપના X હેન્ડલ પર એન ચંદ્રશેખરન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થના એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે. ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડશે. આ ઉપરાંત, ગ્રુપ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ પણ ઉઠાવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ખાતરી કરીશું કે ઘાયલોને તમામ જરૂરી સંભાળ અને મદદ મળે. આ ઉપરાંત, અમે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના નિર્માણમાં પણ મદદ કરીશું. ટાટા ગ્રુપ આ દુઃખની ઘડીમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભું છે. ચંદ્રશેખરન એર ઇન્ડિયાના ચેરમેન પણ છે.
એર ઇન્ડિયાની શરૂઆત જેઆરડી ટાટા દ્વારા ૧૯૩૨માં ટાટા એરલાઇન્સ નામથી કરવામાં આવી હતી. ૧૯૫૩માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તે એર ઇન્ડિયા નામની સરકારી કંપની બની. ૨૦૨૨માં કંપનીનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને તે ફરીથી ટાટા ગ્રુપ હેઠળ આવી. એર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને ગુરુવારના અકસ્માત પર કહ્યું છે કે એર ઇન્ડિયામાં આપણા બધા માટે આ મુશ્કેલ સમય છે.