વિમાનમાં સવાર 175 મુસાફરોનો જીવ થોડીવાર માટે અધ્ધર થઈ ગયા હતા પરંતુ બધા મુસાફરો સુરક્ષિત છે.
ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ બર્ડ હિટનો શિકાર બની છે. આજે બપોરે રાંચી જતી ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટ સાથે ગીધ અથડાયું હતુ, જેના કારણે ફ્લાઈટનું રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં લગભગ 175 પ્રવાસીઓ સવાર હતા. તમામ પ્રવાસીઓ અને ચાલક દળના સભ્યો સંપૂર્ણ સંરક્ષિત છે.
બિરસા મુંડા એરપોર્ટના નિદેશક આર.આર.મોર્યએ કહ્યું કે, ‘આ ઘટના આજે (2 જૂન) બપોરે 1.14 વાગ્યે બની હતી. ફ્લાઈટ રાંચી એરપોર્ટથી થોડે દૂર લગભગ 4000 ફૂની ઊંચાઈ પર હતી, ત્યારે તેની સાથે એક ગીધ ટકરાયું હતું. ગીધ વિમાન સાથે અથડાયા પછી પાઇલટે વિમાનને 40 મિનિટ સુધી હવામાં રાખવું પડ્યું. આ પછી, રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટમાં 175 મુસાફરો સવાર હતા, જે બધા સુરક્ષિત છે.
અધિકારીઓએ કહ્યું કે, ઈન્ડિગોની ફ્લાઈટ એરબસ 320 પટણાથી રાંચી અને ત્યાથી કોલકાતા જવાની હતી. જોકે ફ્લાઈટ સાથે ગીધ ટકરાયા બાદ વિમાનને ઘણું નુકસાન થયું છે. વિમાનના આગળના ભાગમાં હોલ પડી ગયો છે. વિમાનની તપાસ કરવા માટે એન્જિનિયરોની ટીમ બોલાવાઈ છે અને તેઓ નુકસાનનું આંકલન કરી રહ્યા છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ ફ્લાઇટ રાંચી પહોંચ્યા પછી કોલકાતા જઈ રહી હતી. હવે તે રાંચીમાં જ ઊભી છે અને તેનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે. ફ્લાઈટને કેન્સલ કર્યા બાદ મુસાફરોને અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
ઘટના બાદ એરપોર્ટ પર કેટલાક સમય માટે સતર્કતા વધારી દેવાઈ હતી. બીજી તરફ ઘટના અંગે ઈન્ડિગો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. હાલ વિમાનને ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા છે.