પીએમ નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાતની મુલાકાત અંતર્ગત આજે સવારે વડોદરા પહોંચ્યા હતા. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં તેઓ કર્નલ સોફિયાના પરિવારને મળ્યા હતા. ત્યારબાદ તેઓ દાહોદ પહોંચ્યા હતા. દાહોદમાં વડાપ્રધાન મોદીએ આજે 24,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે.
પીએમ મોદીએ દાહોદમાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ(લોકોમોટિવ પ્લાન્ટ)નું લોકાર્પણ કર્યું હતું તેમજ દાહોદના રેલવે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નિર્માણ પામેલ પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી આપી હતી. પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવનો પ્લાન્ટ સ્થાનિક હેતુઓ માટે અને નિકાસ માટે 9000 HPના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે. આ લોકોમોટિવ ભારતીય રેલ્વેની માલવાહક ક્ષમતા વધારવામાં મદદ કરશે.
પીએમ મોદીએ સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેનને પણ વીડિયો કોન્ફરન્સિંગ થકી લીલી ઝંડી આપી હતી. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ ટ્રેન અઠવાડિયામાં ફક્ત ગુરુવારે જ નહીં દોડે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી સાથે રેલવે મંત્રી પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને બિરસા મુંડાની પ્રતિમા ભેટ આપીને તેમનું સન્માન કર્યું. અહીં પીએમ મોદીએ જાહેરસભા પણ સંબોધી હતી.
દાહોદમાં જાહેર સભામાં પહોંચેલા લોકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે થોડીવાર પહેલાં અહીં હજારો કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયા. એમાં સૌથી શાનદાર ઇલેક્ટ્રિક લોકોમેટિવ ફેક્ટરી છે. ત્રણ વર્ષ પહેલાં હું એનો શિલાન્યાસ કરવા આવ્યો હતો. ઘણા લોકોને તો ગાળો આપવાની ટેવ પડી ગઈ છે, એવું કહેતા હતા કે ચૂંટણી આવી એટલે શિલાન્યાસ કર્યો, કંઈ થશે નહીં, પરંતુ આજે પહેલો ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયો છે અને મેં એને લીલી ઝંડી બતાવી. આ દેશ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.
જાહેરસભામાં પીએમ મોદીએ પહેલગામ હુમલાથી લઈ ઓપરેશન સિંદૂર અંગે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કંઈ કર્યું, તો શું ભારત ચૂપ બેસી શકે? મોદી ચૂપ રહી શકે? જ્યારે કોઈ આપણી બહેનોના સિંદૂરને મિટાવશે તેમને પણ મિટવાનો સમય આવી જાય છે. ઓપરેશન સિંદૂર આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે મોદીનો મુકાબલો કરવો કેટલું મુશ્કેલ છે. તિરંગો લહેરાવતા રહો. જરા વિચારો… બાળકોની સામે પિતાને ગોળી મારી દીધી, આજે પણ આ તસવીરો જોઇએ છીએ ત્યારે લોહી ઊકળી ઊઠે છે. આતંકીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો હતો. મોદીએ પણ એ જ કર્યું, જેના માટે દેશવાસીઓએ મને પ્રધાનસેવકની જવાબદારી આપી હતી.
પીએમ મોદી કહ્યું,અમે ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આપી. આપણા શૂરવીરોએ એ કરી બતાવ્યું, જે દુનિયાએ દાયકાઓથી જોયું નહોતું. અમે સીમા પારના 9 આતંકી અડ્ડાને શોધી લીધા અને 22 તારીખે જે ખેલ ખેલ્યો હતો એને 6 તારીખે રાત્રે 22 મિનિટમાં ધૂળમાં મિલાવી દીધા. આ કાર્યવાહીથી પાકિસ્તાની સેનાએ દુસાહસ કર્યું તો આપણી સેના તેને પણ ધૂળ ચટાડી દીધી.
ભાગલા બાદ જે દેશનો જન્મ થયો એનું એકમાત્ર લક્ષ્ય ભારતથી દુશ્મની છે, ભારતને નુકસાન કરવાનું છે, ભારતથી નફરત છે, પરંતુ ભારતનું લક્ષ્ય ગરીબી દૂર કરવાનું છે, અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનું છે. ખુદને વિકસિત કરવાનું છે. વિકસિત ભારતનું નિર્માણ ત્યારે જ થશે, જ્યારે ભારતીય સેના મજબૂત હશે અને આપણી અર્થ વ્યવસ્થા દમદાર હશે. અમે આ જ દિશામાં કામ કરી રહ્યા છીએ.’