ધોરણ 12નું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહનું 97.07% અને સાયન્સનું 83.51% પરિણામ

12thResult

સામાન્ય પ્રવાહનું છેલ્લા 10 વર્ષનું સૌથી ઉંચું 93.07 ટકા પરિણામ નોંધાયું, વિજ્ઞાન પ્રવાહનું 2015 બાદ આ વર્ષે સૌથી ઉંચુ પરિણામ નોંધાયુ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. ધોરણ 12 સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 93.07 ટકા પરિણામ જાહેર થયાં છે.

ધોરણ 12 સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0 ટકા વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં છેલ્લા 10 વર્ષનું રેકોર્ડબ્રેક 93.07 ટકા પરિણામ નોંધાયું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના છેલ્લા 10 વર્ષના પરિણામની વાત કરીએ તો આ વર્ષે સૌથી ઉંચું પરિણામ નોંધાયું છે. આ પહેલા 2024 માં પણ તે વર્ષે સૌથી ઉંચું 91.93 પરિણામ નોંધાયું હતું. જો કે આ વર્ષે તે રેકોર્ડ પણ તૂટી ગયો છે અને 93.07 ટકા પરિણામ નોંધાયું છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના છેલ્લા 10 વર્ષના પરિણામની વાત કરીએ તો છેલ્લે 2015 માં સૌથી ઉંચું પરિણામ 86.10 ટકા નોંધાયું હતું. હવે ત્યારબાદ આ વર્ષે 2025 માં સૌથી ઉંચું પરિણામ નોંધાયું છે.

ધોરણ 12 સાયન્સમાં 92.91 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરે રહ્યો છે. ધોરણ 12 સાયન્સમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ 96.60 ટકા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દાહોદ 54.48 ટકા છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી 92.91 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 59.15 ટકા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો 97.20 ટકા સાથે સમગ્ર રાજ્યમાં ટોપ પર રહ્યો છે. તો સૌથી ઓછું પરિણામ દાહોદ અને વડોદરા જિલ્લામાં 87.77 ટકા છે.

વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.