ખેડબ્રહ્મા હાઈવે મરણચીસોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો
રાજ્યમાં વધતા જતાં અકસ્માતો વચ્ચે આજે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. હિંગટિયા પાસે એસ.ટી. બસ, રિક્ષા અને બાઈક વચ્ચે જોરદાર ટ્ક્કર થતા એક બાળકી સહિત 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અંબાજી-વડોદરા રૂટની એસ.ટી બસ ખેડબ્રહ્મા- અંબાજી હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ બસ જેવી હાઈવે પર આવેલ હિંગટીયા ગામ નજીક પહોંચી ત્યારે અગમ્યકારણોસર બસ, બાઈક અને જીપ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતના પગલે ખેડબ્રહ્મા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો અને લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ખેરોજ અને ખેડબ્રહ્મા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે સ્થાનિકોની મદદથી અકસ્માતગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા અને જીપમાં સવાર બાળકી સહિત 6 લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે 7 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ દુર્ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો એ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
ખેરોજ પીઆઇ એન.આર.ઉમટના જણાવ્યા અનુસાર, જીપમાં અને બાઇક પર સવાર લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય કેટલાક લોકોને ઇજા થઇ છે, જેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન ખેડબ્રહ્માથી હિંમતનગર સારવાર માટે લાવતા સમયે રસ્તામાં વધુ એક પુરુષનું મોત નિપજ્યું છે. જેમનો મૃતદેહ વડાલી આરોગ્ય કેન્દ્રમાં મુકવામાં આવ્યો છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે મટોડા ખસેડાઇ છે.
મૃતકોનાં નામ
પોપટભાઈ સકાભાઈ તરાલ (ઉં.વ.પુખ્ત, રહે. બુબડિયાના છાપરા, તા.ખેડબ્રહ્મમા)
સાયબાભાઈ ગલબભાઈ બેગડિયા (ઉં.વ.પુખ્ત,રહે. ચાંગોદ, તા.ખેડબ્રહ્મમા)
મંજુલાબેન બચુભાઈ બેગડિયા (ઉં.વ. આશરે 1, રહે. ચાંગોદ, તા.ખેડબ્રહ્મમા)
અજયભાઈ નવાભાઈ ગમાર (ઉં.વ.પુખ્ત, રહે.નાડા, તા-પોશીના)
અજાણ્યો પુરુષ અંદાજે 45 વર્ષ
કેતનભાઈ નાનજીભાઈ રાઠોડ.ઉવ.26
સાત લોકો સારવાર હેઠળ
ચંદ્રિકાબેન બચુભાઇ બુબડીયા 5 વર્ષ વેન્ટિલેટર
અજાણ્યો પુરુષ અમદાવાદ
ભરતભાઇ વિરાભાઈ ખાંધાર ઉવ 23 દાંતા
દેવાભાઈ સાકાભાઈ તરાર, ઉવ 35 ખાનગી હોસ્પિટલ
બચુભાઇ નાનજીભાઈ બેગડીયા,ઉવ 40
જીજ્ઞેશભાઈ લાખાભાઈ બુબડીયા
અંજનાબેન તરાલ,ઉવ 19
આ ત્રિપલ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનો અને સગા સંબંધીઓમાં ભારે ગમગીની અને આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે મૃતકોના મૃતદેહોને પીએમ માટે ખસેડીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.