સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો

DA
  • છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 6% અને સાતમા પગારપંચવાળાનું મોંઘવારી ભથ્થું 2% વધાર્યું
  • 3 માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવાશે

ગુજરાતનાં સરકારી કર્મચારીઓ માટે ખુશીનાં સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

છઠ્ઠા તેમજ સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારી અને 4.81 લાખ પેન્શનર્સને લાભ મળશે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપતામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવાશે.

રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા હતા તેમનાં મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.946 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકે કરેલા આ નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પહેલાં કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025મા કેન્દ્ર પોતાના કર્મચારીઓને વધારો આપ્યો હતો. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ 53% ડીએ મળે છે, હવેથી 53ને બદલે રાજ્યના કર્મચારીઓને 55 ટકા DA મળશે, જોકે વધારેલું DA ક્યારથી લાગુ થશે એ અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે.