ગુજરાતના સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે ગ્રીષ્મા હત્યા કાંડ જેવી ઘટના ગતરોજ સામે આવી હતી. જેમાં બોરીયા ગામની 20 વર્ષીય યુવતીને યુવકે ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા નીપજાવી હતી. મૃતક યુવતીની આજે બુધવારે નીકળેલી અંતિમ યાત્રામાં પરિવારજનોની સાથે સાથે સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ દુઃખદ ઘટનામાં વાંકલ બજારના વેપારીઓએ સ્વૈચ્છિક બજારની દુકાનો બંધ રાખીને યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હૃદય કંપાવનારી ઘટનાને પગલે અંતિમયાત્રા દરમ્યાન લોકોની આંખો ભીની થઇ હતી. દીકરી ગુમાવતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યું.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે ગતરોજ સુરેશ જોગી નામના યુવકે બોરીયા ગામની 20 વર્ષીય તેજસ્વી ચૌધરી નામની કોલેજીયન યુવતીને કમરમાં ચપ્પુના ઘા ઝીંક્યા હતા અને બાદમાં ગળા પર ચપ્પુ ફેરવી ગળું કાપી નાખ્યું હતું અને ત્યારબાદ યુવતે જાતે પોતાનું ગળુ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પછી જો કે, યુવક હાલ સારવાર હેઠળ છે.
ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઇ હતી અને સ્થળ પરથી FSL માટે જરૂરી સેમ્પલ લીધા હતા. યુવતીની ઘાતકી હત્યા કરનાર સુરેશ જોગી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનેલી ઘટનાને પગલે સુરત જિલ્લા સહિત રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. લોકો આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માગ કરી રહ્યા છે.
વહેલી સવારે સામે છેડેથી ફોન આવ્યા બાદ ઉતાવળે નીકળેલી તેજસ્વીના પરિવારનું કહેવું છે કે, તેઓ સુરેશને ઓળખતા પણ ન હતા. પોતાની પુત્રીએ ક્યારેય સુરેશ અંગે ઘરમાં વાત કરી ન હતી. તેજસ્વી આવા કોઈ મામલાથી વ્યથિત કે ચીતિંત હોય તેવું પણ પરિવારને લાગ્યું ન હતું, જેથી આ વાત જ્યારે બહાર આવી ત્યારે, પરિવાર ચોંકી ઊઠ્યો હતો.
સુરતના કામરેજ, પાસોદરામાં 12મી ફેબ્રુઆરી, 2022ના રોજ એક તરફી પ્રેમમાં પડેલા આરોપી ફેનીલ ગોયાણીએ સરેઆમ ગ્રીષ્મા વેકરીયાની ગળે ચપ્પુ મારીને હત્યા કરી હતી. તે પહેલાં આરોપી ફેનીલને સમજાવવા ગયેલા ગ્રીષ્માના કાકા સુભાષભાઈ અને ભોગ બનનાર ગ્રીષ્માના ફરિયાદી ભાઈ ધ્રુવ વેકરીયા પર પણ આરોપી ફેનીલે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.