700 CCTV તપાસી 60 લોકોની ટીમે આરોપીને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
સુરતના ઉધના વિસ્તારમાં 8 ડિસેમ્બર 2024ના રોજ એક અજાણ્યા શખસે અમન સોસાયટીમાં ઘૂસીને પાંચ ફૂટના અંતરે બે છોકરીઓની છેડતી કરી હતી. જે ઘટનાના 10 ડિસેમ્બરે CCTV ફૂટેજ સામે આવ્યા હતા. ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ ઉધના પોલીસે છેડતી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ઉધના પોલીસે આરોપીને બરોબરનો પાઠ ભણાવ્યો છે અને જાહેરમાં આરોપીનું સરઘસ કાઢ્યું છે.
આરોપી નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે ત્રણ દીકરીઓની છેડતી કરી હતી. ઉઘના પોલીસે (Udhna Police) આરોપી અરમાનનું સરાજાહેર સરઘસ કાઢી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમોને ચેતવ્યા હતા. આરોપીને લઈને પોલીસે આજે જાહેર બજારમાં પહોંચી હતી અને સાન ઠેકાણે લાવી દીધી હતી. ઉધના પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે સીસીટીવી ચેક કરતા મહત્ત્વની કડી હાથ લાગી
છેડતી કરનાર આ આરોપીની ઉંમર માત્ર 19 વર્ષ છે અને તે મજૂરીનું કામ કરે છે. આરોપીની કરતૂત સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજની ધ્યાનપૂર્વક ચકાસણી કરતા પોલીસને ધ્યાને આવ્યું હતું કે, આરોપીનો એક હાથ બરોબર કામ કરતો નથી. તે ડાબો હાથ હંમેશા વાકો રાખીને ચાલતો હતો. બસ આના આધારે પોલીસ ઉન વિસ્તારમાં આરોપીના ઘર સુધી પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો.
આરોપી છેડતીના વિસ્તારથી સંપૂર્ણ વાકેફ હતો
આરોપીના ઘરે તેની સાથે કેટલાક યુવાનો રહેતા હતા. તેઓએ આરોપીની તસવીર જોઇને તેની ઓળખ કરી હતી. તે સમયે આરોપી ઘર નજીક અન્ય મજૂરો સાથે બેઠો હતો. તેના આ ડાબા હાથના આધારે પોલીસે તેની ધરપકડ કરી. આરોપીનું નામ નેમુદ્દીન છે અને તે મજૂરી કામ કરે છે. મૂળ તે યુપીનો છે આરોપી થોડા સમય પહેલાં ભાઠેના વિસ્તારમાં કામ કરી ચૂક્યો છે જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો.
આરોપીનું નામ નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર, 19 વર્ષ છે.
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, CCTVમાં એક શખસ બે નાની દીકરીઓની છેડખાની કરે છે. એમાં જે આરોપી છે તેને પોલીસે શોધી કાઢયો છે. આોપીનું નામ નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. જે 19 વર્ષનો છે. જે પોતે ઉન પાટિયામાં રહે છે. પોતે મજૂરી કામ કરે છે. આરોપી ચાલતો ચાલતો આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને 24 કલાક પછી જાણ કરવામાં આવી હતી.
700થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, CCTVની જે વિગતો સામે આવી હતી તેના આધારે વધારે ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. 60થી વધુ પોલીસકર્મીઓની બનાવી હતી. ઉધના પોલીસની સર્વ લેન્સની ટીમ ઉપરાંત સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ આ બધા ભેગા થઈ ટીમો અલગ અલગ જગ્યાએ જઈને અમે 700થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. ત્યાર બાદ આરોપીની ધરપકડ થઈ. અમે આરોપીથી 24 કલાક પાછળ હતા. પરંતુ અમે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.
આરોપીના મોબાઈલની તપાસ કરાતાં એમાંથી કેટલાક પોર્ન વીડિયો મળ્યા છે. પોલીસે મોબાઈલની તપાસ માટે FSLમાં મોકલ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ નફ્ફટાઈપૂર્વક જવાબ આપતાં કહ્યું હતું કે તે જ્યારે કોઈ છોકરીને જુએ છે ત્યારે કંઈક થઈ જાય છે.
નેમુદીને પોલીસને કહ્યું કે તે પહેલા ભાઠેનામાં શાક બજારમાં ગયો હતો. ત્યારબાદ તે અમીન સોસાયટીમાં લગ્નના પ્રસંગમા ગયો હતો. તે લગ્ન પ્રસંગમા છોકરીઓને જોઇને ઉત્તેજીત થઇ ગયો હતો. તેથી તેનો કાબૂ નહીં રહેતા તેણે કિશોરીઓને પકડી લીધી હતી. દરમિયાન પોતે જ્યારે પણ બજારમાં કે લગ્નમાં જાય છે ત્યારે તેની માનસિક વિકૃતિ કાબૂ બહાર જતી હોવાની વાત તેણે પોલીસ સમક્ષ કરી હતી.
