અમદાવાદમાં નશેડી કારચાલકોનો આતંક, 8 દિવસમાં પીધેલા દ્વારા અકસ્માત સર્જયાનો બીજો બનાવ
અમદાવાદ શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રનના કેસ સતત વધી રહ્યા છે. નશો કરનારને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવુ લાગી રહ્યું છે. આવા લોકો દારુ તેમજ અન્ય નશો કર્યા બાદ ફુલ સ્પીડે કાર ચલાવી ગંભીર અકસ્માત કરીને લોકોનાં જીવ લઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા બોપલ-આંબલી રોડ પર રિપલ પંચાલ નામના નબીરાએ નશાની હાલતમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જયો હતો. અને હવે આજે નરોડા-દહેગામ રોડ પર એક કારચાલકે દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી અકસ્માત કરતા બે નિર્દોષ યુવકોના મોત થયા હતા.
ઘટનાની વિગત એવી છે કે ગઈકાલે રાતના સમયે શહેરના નરોડા દહેગામ રોડ પર એક ક્રેટા કારનાં ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બે નિર્દોષ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. દારૂ પીધેલ કારચાલક એટલી સ્પીડમાં હતો કે, કાર ડિવાઈડર કૂદીને હવામાં ફંગોળાઈ હતી અને બાજુનાં રોડ પર સામેથી આવી રહેલા એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અસક્માતમાં એક્ટિવા પર જઈ રહેલ બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. આસપાસના લોકોએ ક્રેટા ગાડીના ડ્રાઇવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. ત્યારબાદ ગોપાલને પોલીસને સોંપી દીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર ચાલક ગોપાલ પટેલ નામનો શખ્સ નશામાં ટલ્લી હતો અને લથડીયા ખાતો હતો. નિર્દોષ યુવકોને કચડી નાંખ્યા બાદ પણ કારચાલક નફ્ફટાઇપૂર્વક દારૂ પીધો હોવાની કબૂલાત કરી. અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિક લોકોને કાર ચાલકને પકડી પાડી મેથીપાક પણ ચખાડ્યો હતો. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે હચમચાવી દે એવા છે. પોલીસે હાલ કારચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય DSP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે કારચાલક દારૂના નશામાં હતો. કારચાલક ગોપાલ પટેલ ઝાક ગામથી નશાની હાલતમાં ક્રેટા ગાડી લઈને નીકળ્યો હતો. નરોડા તરફ જતા કારચાલકે રસ્તામાં રિક્ષાને ઓવરટેક કરવા જતા કાર ડિવાઈડર પર ચઢીને સામેના રોડ તરફ જતી રહી હતી અને સામેના રોડ પર એક્ટિવા પર આવેલા બે યુવકોને ટક્કર મારતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા. બનાવની જાણ થતા કણભા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકોનાં નામ
વિશાલ રાઠોડ, 27 વર્ષ
અમિત રાઠોડ, 26 વર્ષ
આ ઘટના બાદ પોલીસ કામગીરીને લઈ પણ સવાલ ઊઠ્યા છે. કાયદા અને વ્યવસ્થાને નામે સામાન્ય નાગરિક સાથે તોછડી ભાષામાં વાતો કરતા અને વગર કારણે ધમકાવતા પોલીસ કર્મચારીઓ સામે સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ આવા નશેડીઓને કંટ્રોલ કરી શકતી નથી, અકસ્માત રોકી શકતી નથી. એ તો ઠીક પરંતુ ગુજરાતમાં દારુબંધી હોવા છતા આટલા મોટા પ્રમાણમાં ચાલતા દારૂના ધંધાને બંધ કરાવી શકતી નથી. એકંદરે એવુ લાગે છે કે અમદાવાદ શહેરના માર્ગો હવે સામાન્ય જનતા માટે સુરક્ષિત રહ્યા નથી.