શેખ હસીના પછી હવે બાંગ્લાદેશ સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસનું રાજીનામું, સરકાર સાથે ચર્ચા કર્યા વિના ફૂલ કોર્ટ બોલાવતા મામલો બિચક્યો

bangladesh-chief-justice

પ્રદર્શનકારીઓએ સુપ્રીમકોર્ટનો ઘેરાવો કરતા જજે આપવું પડયું રાજીનામું

બાંગ્લાદેશમાં ફરી એકવાર ડખો થયો છે. શેખ હસીનાનાં રાજીનામાં બાદ હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને પણ રાજીનામું આપ્યું છે. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ તેમના રાજીનામાની માગ સાથે સુપ્રીમ કોર્ટની બહાર ભેગા થઈ પ્રદર્શન કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે જો ચીફ જસ્ટિસ રાજીનામું નહીં આપે તો તેમને પણ હસીનાની જેમ ભાગવું પડશે.

બાંગ્લાદેશમાં શનિવારે સવારે ફરીથી મોટાપ્રમાણમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતુ. આ વખતે વિરોધ પ્રદર્શનકારીઓએ ઢાકામાં આવેલી બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો અને ચીફ જસ્ટિસ સહિત તમામ જજને એક કલાકની અંદર રાજીનામું આપવા કહેવામાં આવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે, જો જજ અને ચીફ જસ્ટિસ ઓબેદુલ હસન રાજીનામું નહિ આપે તો તેઓના આવાસો પર ઘેરાવ કરવામાં આવશે.

વિરોધ પ્રદર્શનને જોતા ચીફ જસ્ટિસ ઓેબેદુલ હસને ન્યાયપાલિકાના પ્રમુખ પદથી રાજીનામું આપ્યુ હતું. રાજીનામુ આપ્યા બાદ ચીફ જસ્ટિસ સંકુલ છોડીને જતા રહ્યા હતા.

ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે દેશમાં વર્તમાન સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી કોર્ટના જજોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

વિરોધ પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની હસીના સાથે મિલીભગત છે. તેમણે વચગાળાની સરકાર સાથે ચર્ચા કર્યા વિનાં જ શનિવારે ફુલ-કોર્ટ બોલાવી હતી. આ વાતને લઈને વિરોધ પ્રદર્શનકારીઓ ચિડાઈ ઉઠયા હતા. વિદ્યાર્થીઓ અને વકીલો સહિત સેંકડો પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટની તરફ વધવા લાગ્યા. ત્યારબાદ એક વિરોધ પ્રદર્શનકારીએ દાવો કર્યો કે મુખ્ય ન્યાયાધિશે વચગાળાની સરકારને ગેરકાયદે જાહેર કરવાનું કાવતરું રચી રહ્યા છે.