ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ, આરોપીને આજીવન કેદ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ

love-jihad-bill

સામૂહિક ધર્મ પરિવર્તન માટે 14 વર્ષની સજાની જોગવાઈ
ગેરકાયદેસર ધર્મ પરિવર્તનની ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવ્યો

ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તનની ગંભીર ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવ્યો છે. મંગળવારે ઉત્તર પ્રદેશ વિધાનભામાં લવ જેહાદ સંબંધિત બિલ પાસ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આરોપીને આજીવન કેદની સજાની જોગવાઈ છે. આ બિલમાં ગુનેગારોને કડક સજાની સાથે ઘણા ગુનાઓની સજા બમણી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. અત્યારસુધી કુલ 10 રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

લવ જેહાદ હેઠળ નવા ગુનાઓ પણ ઉમેરવામાં આવ્યા છે. આ બિલ હેઠળ જો કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરાવવાના ઈરાદાથી કોઈ વ્યક્તિને તેના જીવન અથવા સંપત્તિ માટે ધમકી આપે છે અથવા હુમલો કરે છે કે પછી લગ્ન કરવાનું વચન આપે છે. તેના પર આ કાયદો લાગુ થશે. આ સાથે જો કોઈ વ્યક્તિ સગીર, મહિલા અથવા કોઈ પણ વ્યક્તિની હેરફેર કરે છે તેના પર પણ આ કાયદો લાગુ થશે.

સરકારનું કહેવું છે કે છોકરીઓને ફસાવીને લગ્ન કરવા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC-ST) માં અને ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. રાજ્ય સરકાર આ બાબતો પર અંકુશ લગાવવા જઈ રહી છે. આ બિલમાં ધર્મ પરિવર્તન સંબંધિત ગુનાઓમાં આરોપીઓની સજા વધારવામાં આવી છે. આજીવન કેદ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. સુધારેલા બિલ હેઠળ કોર્ટ પીડિતાના સારવાર ખર્ચ અને પુનર્વસન માટે દંડની રકમ પણ નક્કી કરી શકશે.

સરકારનું કહેવું છે કે આ સંશોધન બિલ ધર્મ પરિવર્તનના ગુનાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને પસાર કરવામાં આવ્યું છે. આનાથી વિદેશી અને દેશ વિરોધી તાકતોના સંગઠિત ષડયંત્રને રોકી શકાશે. સજા અને દંડની રકમ વધારવાની સાથે જ જામીનની કડક શરતોની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, સગીરો, અપંગ લોકો અને માનસિક રીતે બીમાર લોકોને ગુનાનો ભોગ બનતા અટકાવી શકાશે.

અગાઉ ધર્મ પરિવર્તન અને ફોસલાવીને લગ્ન કરવા માટે એકથી પાંચ વર્ષની જેલ અને 15,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. હવે આ ગુના માટે 3થી 10 વર્ષની જેલ અને 25 હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

સગીર એસસી અથવા એસટી મહિલા સાથે લવ જેહાદ માટે 2થી 10 વર્ષની જેલ અને 25,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. હવે તેને વધારીને 5થી 14 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

હાલમાં, ગેરકાયદે સામૂહિક ધર્મ પરિવર્તન માટે 3થી 10 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. હવે તેને વધારીને 7થી 14 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

જાણો નવા બિલમાં શું જોગવાઈ

નવા કાયદામાં દોષિત ઠરે તો 20 વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે.
હવે કોઈપણ વ્યક્તિ ધર્મ પરિવર્તનના મામલામાં FIR નોંધાવી શકે છે.
પ્રથમ કિસ્સામાં માહિતી અથવા ફરિયાદ આપવા માટે પીડિત, માતા-પિતા અથવા ભાઈ-બહેનની હાજરી જરૂરી હતી.
લવ જેહાદના કેસની સુનાવણી સેશન્સ કોર્ટની નીચેની કોઈપણ કોર્ટ નહીં કરે.
લવ જેહાદના કેસમાં સરકારી વકીલને તક આપ્યા વિના જામીન અરજી પર વિચાર કરવામાં આવશે નહીં.
આમાં તમામ ગુનાઓને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે.