હાર્દિક પંડયા ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યો, જસપ્રીત બુમરાહ બોલરોની રેન્કિંગમાં ટોપ-20માં સામેલ

Hardik-Bumrah

જસપ્રિત બુમરાહને રેન્કિંગમાં 88 સ્થાનનો ફાયદો થયો, T20 બોલરોની રેન્કિંગમાં ટોપ 100માં પણ સામેલ નહોતો
અક્ષર પટેલ અને કુલદીપ યાદવ ટોપ-10 બોલરોમાં સામેલ

T20 વર્લ્ડકપ 2024 સમાપ્ત થયા પછી, ICCએ નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. ICC અપડેટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. આ T20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમના પ્રદર્શનના કારણે આ તમામ ખેલાડીઓની રેન્કિંગમાં સુધારો થયો છે. જેમાં ટીમ ઈન્ડિયાના હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને જોરદાર ફાયદો થયો છે.

હાર્દિક પંડયા ટોચના સ્થાને પહોંચ્યો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયા T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં ટોચના સ્થાન પર પહોંચી ગયો છે. આ ખેલાડીએ શ્રીલંકન ક્રિકેટ ટીમના વાનિન્દુ હસરંગાને પાછળ છોડી દીધો છે. હાર્દિકે T-20 વર્લ્ડ કપ 2024માં 8 મેચની 6 ઇનિંગ્સમાં 144 રન બનાવ્યા હતા. તેની એવરેજ 48 હતી અને સ્ટ્રાઈક રેટ 151.57 હતો. આ સાથે જ હાર્દિકે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 8 મેચમાં 17.36ની એવરેજ અને 7.64ના ઈકોનોમી રેટથી 11 વિકેટ ઝડપી. હાર્દિકે ફાઈનલ મેચમાં 3 વિકેટ ઝડપી હતી.

જસપ્રીત બુમરાહ ટોપ-20માં પહોંચ્યો
T20 વર્લ્ડકપની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ T20 બોલરોની રેન્કિંગમાં ટોપ 100માં પણ નહોતો. T20 વર્લ્ડકપમાં તેના શાનદાર પ્રદર્શન બાદ હવે તે ટોપ-20માં પહોંચી ગયો છે. તે હવે 640 રેટિંગ સાથે 12મા સ્થાને પહોંચી ગયો છે. જસપ્રીત બુમરાહે આ વર્લ્ડકપમાં 8 મેચમાં 8.27ની એવરેજથી 15 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેનો ઈકોનોમી રેટ પણ માત્ર 4.18 હતો.

અક્ષર પટેલ અને કુલદીપ યાદવ ટોપ-10 બોલરોમાં સામેલ
આ સિવાય અક્ષર પટેલ અને કુલદીપ યાદવ ટોપ-10 બોલરોમાં સામેલ થઈ ગયા છે.
જો ટોપ-10ની વાત કરીએ તો આ યાદીમાં બે ભારતીય ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. અક્ષર પટેલ એક સ્થાનની છલાંગ લગાવીને 57 રેટિંગ સાથે 7મા નંબરે પહોંચી ગયો છે. તો કુલદીપ યાદવને પણ ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે રેટિંગ સાથે 8મા નંબર પર છે.

T20 બોલરોની તાજેતરની રેન્કિંગમાં આદિલ રાશિદ ટોચ પર યથાવત છે. જ્યારે એનરિક નોર્ખિયા સાત સ્થાનની છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. ત્રીજા નંબરે શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા છે. જ્યારે 2 સ્થાનના નુકસાન સાથે તે ચોથા સ્થાને પહોંચી ગયો છે.