નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ મુર્મૂએ આપ્યું સરકાર બનાવવાનું આમંત્રણ, 9 જૂને શપથગ્રહણ, રાજ્યના તમામ મંત્રીઓને આમંત્રણ

pmModi-presidentMurmu

18મી લોકસભાના પાંચ વર્ષના કાર્યકાળમાં અમે ગતિ અને સમર્પણભાવથી દેશની આશા અને અપેક્ષા પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીંઃ મોદી

લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા બાદ નવી સરકાર રચવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં એનડીએમાં સામેલ પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પક્ષોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સર્વાનુમતે સંમતી આપી દીધી છે, ત્યારે નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી, જેમાં રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. મોદી 9મી જૂને શપથગ્રહણ કરશે.

9 જૂને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે શપથવિધિ માટે રાજ્ય સરકારના મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે રાજ્યના કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો સાથે સાથે રાજ્યના તમામ ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી થપથ ગ્રહણના સાક્ષી બનશે. વિશ્વભરમાંથી અતિથિઓના સ્વાગત માટે રેડ કારપેટ બિછાવવામાં આવશે. આ સાથે આશરે 8000 લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુખ્ય ભવનમાં પ્રવેશ માટે એક ભવ્ય માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સમારંભમાં પડોશી મિત્ર દેશોના વડાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ દ્વારા સરકાર રચવાનું આમંત્રણ મળ્યા બાદ મોદીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું હતું, કે ‘હું આ અવસર માટે દેશનો આભાર પ્રગટ કરું છું. હું દેશવાસીઓને વિશ્વાસ આપવું છું કે 18મી લોકસભાના પાંચ વર્ષના કાર્યકાળમાં અમે ગતિ અને સમર્પણભાવથી દેશની આશા અને અપેક્ષા પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.’

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સપનાને સાકાર કરવાનો પડાવ છે. 18મી લોકસભા નવી ઉર્જીનું પ્રતીક છે. આ કંઈ કરી લેવાની લોકસભા છે. એનડી સતત ત્રીજી વાર સરકાર બનાવી રહ્યું છે. જૂની ગતિ સાથે કામ કરીશું. દેશની આકાંક્ષાઓને પૂરી કરવામાં કોઈ ખામી રાખીશું નહીં. જનતાએ દેશની સેવા કરવાનો જે અવસર આપ્યો છે તેને નીભાવીશું. બે ટર્મમાં દેશ આગળ વધ્યો છે. સમાજના દરેક તબક્કામાં પરિવર્તન નોંધાયું છે. 25 કરોડ લોકો ગરીબીની રેખાથી બહાર આવ્યા. દુનિયાની સાથે વિશ્વબંધુત્વ સાથે ભારત આગળ વધી રહ્યું છે. આવનારા 5 વર્ષ સરકાર માટે ખાસ રહેશે. સ્થિર સરકારમાં ઝડપથી વધારો જોવા મળશે.

તેમણે કહ્યું હતું કે, ‘2014માં હું નવો હતો. આમારી ટીમ માટે ઘણું બધુ પહેલી વખત થઈ રહ્યું હતું. આ 10 વર્ષનાં કાર્યકાળ દરમિયાન ભારતની વૈશ્વિક જે છબી બની છે, દુનિયા માટે ભારત વિશ્વબંધુ તરીકે ઉભર્યું છે તેનો સૌથી વધારે ફાયદો હવે મળી રહ્યો છે. વૈશ્વિક પરિવેશમાં પણ હવેનાં 5 વર્ષ ભારત માટે મહત્વનાં રહેશે. દુનિયા અનેક સંકટ અને વિપત્તિઓમાંથી પસાર થઈ રહી છે. આટલા બધા સંકટો વચ્ચે પણ ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થ વ્યવસ્થા તરીકે ઊભરી રહ્યો છે. તેનાં કારણે દુનિયાનું ભારત તરફ વળવું પણ બહુ ઝડપથી આગળ વધશે. તેનો લાભ દેશનાં લોકોને અને યુવા પેઢીને મળશે.

આ પહેલા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને મહારાષ્ટ્રના એનડીએ નેતાઓને ધડાધડ બેઠકો યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારની નવી કેબિનેટમાં એનસીપીના એક મંત્રીને મંત્રીપદ આપવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, પ્રફુલ પટેલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી વડા અજિત પવાર ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, મોદીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પહેલા એનડીએ ડેલિગેશને રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ ડેલિગેશનમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતીશ કુમાર, એકનાથ શિંદે સહિત તમામ નેતાઓ સામેલ હતા.