અમદાવાદ કાલુપુર વોર્ડમાં 7 મેના રોજ મતદાન કરનારને 7% ડિસ્કાઉન્ટ આપવાની વેપારીઓની જાહેરાત

discounts to those who vote on 7th May in Ahmedaba

કાલુપુરના હોટેલ, રેસ્ટોરન્ટ,ફૂડ કોર્ટ, મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા વેપારીઓની ઑફર

Turn out Implementation Plan મતદાન જાગૃતિ માટે અસરકારક માધ્યમ બની રહ્યો છે.
જે અંતર્ગત અમદાવાદ શહેરના કાલુપુર વોર્ડમાં આવેલ હોટેલ, રેસ્ટોરન્ટ,ફુડ કોર્ટ, મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા વેપારીઓએ તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ જે નાગરિકે વોટિંગ કર્યું હશે, તેને ૭% ડિસ્કાઉન્ટ આપવાની ઑફર આપી છે.

સાથોસાથ મતદાન જાગૃતિ માટે આંગણવાડીની સ્વીપની પ્રવૃત્તિમાં ૨૧૨૮ આંગણવાડી ખાતે મહેંદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ ૮૦૮૬ લોકોએ ભાગ લીધો.

આ ઉપરાંત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા જિલ્લા શિક્ષણ પરિવાર અને આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત યુવા મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા. આ કાર્યક્રમમાં અંદાજિત ૭૬૫ યુવાઓએ ભાગ લીધો હતો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પણ સ્વીપ અંતર્ગત કાંકરિયા તળાવ, જડેશ્વર વન અને વસ્ત્રાપુર તળાવ ખાતે ચિત્ર સ્પર્ધાની પ્રવૃત્તિ કરવામાં આવી છે, જેમાં કુલ ૩૩૪૬ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (શહેર) દ્વારા મતદાન જાગૃતિ માટે સામૂહિક શપથનું આયોજન કરાયું. જેમાં ૨૨૦ શાળાઓમાં ૨૩,૪૦૦ વિદ્યાર્થીઓ, ૨૧૦૦ શિક્ષકો અને અને ૧૨૦૦ જેટલા વાલીઓએ ભાગ લીધો.

જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલ દ્વારા અમૂલ ગાર્ડન પેટ્રોલ પંપ પાસે મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ૩૦૦થી વધુ લોકો જોડાયા હતા. કચેરીની ટીમ દ્વારા હિમાલયા મોલ સહિત ૦૩ મોલ ખાતે ૫૦૦થી વધુ મોલ કર્મીઓને મતદાન શપથ લેવડાવવામાં આવ્યા. તેમજ દરેક સ્થળે મતદાન તારીખ દર્શાવતો રબર સ્ટેમ્પ આપવામાં આવ્યો. જે ગ્રાહકોના બિલ પર મતદાન દિવસ સુધી લગાવવામાં આવશે.

આ ઉપરાંત સ્કૂલ બોર્ડ અમદાવાદ દ્વારા થોડા દિવસ પહેલાં ૫૦ ટકા કે તેથી ઓછું મતદાન થયું હોય તેવી ૨૫ સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી. પુરુષ- સ્ત્રી મતદાનમાં ૧૦ ટકા કે તેથી વધુ તફાવત ધરાવતી ૩૩ સોસાયટીની મુલાકાત પણ લેવામાં આવી હતી. જ્યાં મતદાન જાગૃતિ અંગે બેઠક કરી મહત્તમ મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે માટે સમજ આપવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીથી તમામ કેમ્પસ એમ્બેસેડર સાથે ફેસબુક લાઈવ યોજવામા આવ્યું હતું. જેમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તાએ માર્ગદર્શન આપ્યું હતું. આ સેશનમાં નોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા હતા. ગુજરાત યુનિવર્સિટી, મેરીટાઈમ મેનેજમેન્ટ, સહિતના કેમ્પસના ૧૦૦ જેટલા વિધાર્થીઓ અને અધ્યાપકો તથા વહીવટીય સ્ટાફને શપથ સાથે સેલ્ફી લેવડાવામાં આવી હતી

શહેરના વટવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ લોકોને મતદાન વિષયક સમજ આપી અને શપથ લેવડાવાયા હતા.