કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહેવા ઈચ્છે તો રહી શકેઃ દિલ્હી હાઇકોર્ટ

kejriwal

અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી કોર્ટે ફગાવી
જો કોઈ પ્રકારની બંધારણીય કટોકટી હશે તો રાષ્ટ્રપતિ અથવા એલજી નિર્ણય લેશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે આવી જ એક અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે નક્કી કરવાનું છે કે તેઓ રાષ્ટ્રીય હિતમાં શું નિર્ણય લે છે. રાષ્ટ્રીય હિતને વ્યક્તિગત હિતથી ઉપર રાખવું જોઈએ. હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ પ્રકારની બંધારણીય કટોકટી હશે તો રાષ્ટ્રપતિ અથવા એલજી નિર્ણય લેશે,

કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવા કરી હતી અરજી
હિન્દુ સેના નામના સંગઠનના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેઓ બંધારણ હેઠળ ગોપનીયતાના ભંગના દોષી છે. બંધારણ મુજબ તેમને હટાવવા જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને તે દિવસથી દિલ્હી સરકાર બંધારણની કલમ 154, 162 અને 163નું પાલન કરી રહી નથી. 21 માર્ચથી દિલ્હી સરકારની કેબિનેટની બેઠક મળી નથી જેથી તે લેફ્ટનન્ટ ગવર્નરને સલાહ આપી શકે અને લેફ્ટનન્ટ ગવર્નર તેના પર કોઈ નિર્ણય લઈ શકે.

હાઈકોર્ટે આપ્યો જવાબ
હાઈકોર્ટે વિષ્ણુ ગુપ્તાએ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું કે તે અરવિંદ કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય છે કે તેઓ મુખ્યમંત્રી પદ પર રહેવા માંગે છે કે નહીં. હાઈકોર્ટ આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકતી નથી, કારણ કે આ અંગે નિર્ણય લેવાની સત્તા દેશના રાષ્ટ્રપતિ અથવા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) પર નિર્ભર છે. જો કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહેવા ઈચ્છે તો તેઓ રહી શકે છે. કોર્ટે કહ્યું હતું કે એવો કોઈ કાયદો જણાવો જેમાં મુખ્યમંત્રીને પદ પરથી હટાવવાની જોગવાઈ હોય. કોર્ટે કહ્યું હતું કે જો કોઈ બંધારણીય નિષ્ફળતા હશે તો રાષ્ટ્રપતિ અથવા લેફ્ટનન્ટ ગવર્નર નક્કી કરશે. આ મામલે ન્યાયિક હસ્તક્ષેપને કોઈ અવકાશ નથી.

કેજરીવાલનાં વકીલે કરી દલીલ
સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે આ અરજી અગાઉ પાછી ખેંચી લેવી જોઈતી હતી કારણ કે આવી જ અરજી સુરજિત સિંહ યાદવ દ્વારા દાખલ કરવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે, અગાઉ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે એવી જાહેરાત કરી ચુક્યા છે, દિલ્હી AAPના વિધાનસભ્યોએ પણ કેજરીવાલના મુખ્ય પ્રધાન પદ પર બની રહે એવી હિમાયત કરી હતી.

દિલ્હી દારૂ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરાઈ હતી
અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 21 માર્ચે તેની ધરપકડ બાદ તેને બે વખત રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. આ પછી, 1 એપ્રિલે, તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેઓ જેલમાંથી જ મુખ્યમંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.