રાજ્યના કૃષિ વિભાગની 4,784 ટીમોએ 35.44 લાખ હેક્ટર જમીનમાં સરવે કર્યાનો દાવો, 1,574 કરોડનું નુકસાન થયાનો અંદાજ, 16,387 ગામના 17.06 લાખ ખેડૂતો અસરગ્રસ્ત.
રાજ્યમાં હાલ તાજેતરમાં થયેલાં માવઠાના કારણે ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની વ્યાથાબાદ સાંભળ્યા બાદ સરકારે સરવે કરીને સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે કૃષિ વિભાગની ટીમોએ સરવે કરી નુકસાનનો અંદાજ કાઢ્યો છે. કૃષિ વિભાગના પ્રાથમિક સરવેમાં કુલ 71.02 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 30.92 લાખ હેક્ટર જમીનમાં 33 ટકા કરતાં વધુ નુકસાન થયાનો અંદાજ છે, સરકારી આંકડા પ્રમાણે 16,387 ગામના 17.06 લાખ ખેડૂતોને 1574.48 કરોડનું નુક્સાન થયું હોવાનો અંદાજ છે.
રાજ્ય સરકારે સરવેમાં આવરી લેવાયેલા 70 ટકા વિસ્તારમાં પ્રાથમિક ચકાસણી કર્યા બાદ આંકડો નક્કી કર્યો છે. મુખ્યમંત્રી રાહત પેકેજની મંગળવારે અથવા બુધવારે જાહેરાત કરે તેવી શક્યતા છે. સરકારની એક એજન્સીએ અગાઉ પ્રારંભિક ૩ અંદાજમાં માવઠાની વ્યાપકતા જોઈને 11 હજાર કરોડનું નુકસાન થયાની સંભાવના વ્યક્ત કરી હતી.
માવઠાના કારણે ઉત્તર ગુજરાતમાં વાવેતર કરાયેલા 18.08 લાખ હેક્ટર ખરીફ પાક પૈકી 4.14 લાખ હેક્ટર જમીનમાં કૃષિ પાકને અસર થઈ છે. કૃષિ વિભાગની ટીમોએ કરેલા સરવેમાં 44,849 ખેડૂતોની 46,125 હેક્ટર જમીનમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયુ છે. ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગની 565 ટીમોએ 3,230 ગામમાંથી 1,072નો સરવે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં 5.61 લાખ હેક્ટર વાવેતરને માવઠાની અસર થઈ છે. દક્ષિણ ઝોનના કુલ વાવેતરના 79 ટકા ખરીફ પાકને અસર થઈ છે. કૃષિ વિભાગની ટીમોએ 2.51 લાખ હેક્ટર જમીનમાં 35.35 ટકા સરવે કામગીરી પૂર્ણ કરી છે. જેમાં 1.36 લાખ ખેડૂતોની 1.67 લાખ હેક્ટર જમીનમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયાનો અંદાજ છે.
મધ્ય-પૂર્વ ઝોનમાં કુલ 15.55 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 8.17 લાખ હેક્ટર વાવેતરને અસર થઈ છે. મધ્ય પૂર્વ ઝોનમાં વાવેતરના 52.54 ટકા ખરીફ પાકને અસર થઈ છે. કૃષિ વિભાગની ટીમોએ 3.71 લાખ હેક્ટર જમીનમાં 45.37 ટકા સરવેની કામગીરી પૂર્ણ કરી છે. આ સરવેમાં 2.59 લાખ ખેડૂતોની 3.18 લાખ હેક્ટર જમીનમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયાનો અંદાજ છે.
સૌરાષ્ટ્રમાં માવઠાથી કુલ 37.71 લાખ હેક્ટર જમીનમાં થયેલા વાવેતર પૈકી 33.53 લાખ હેક્ટર જમીનને અસર થઈ છે. કૃષિ વિભાગની ટીમોએ 28.28 લાખ હેક્ટર જમીનમાં સરવેની 84.34% કામગીરી પૂર્ણ કરી છે. કૃષિ વિભાગે કરેલા સરવેમાં 12.65 લાખ ખેડૂતોની 25.60 લાખ હેક્ટર જમીનમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયુ હોવાનો પ્રાથમિક અંદાજ છે.
કૃષિ વિભાગની ટીમોએ કરેલા સરવે દરમિયાન નુકસાનના આંકડા બહાર આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધારે નુકસાન થયાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનમાં ખેડૂતોને ખરીફ પાકમાં 1218.50 કરોડનું નુકસાન થયું છે. જ્યારે ઉત્તર ઝોનમાં 28.11 કરોડ, દક્ષિણ ઝોનમાં 58.45 કરોડ અને મધ્ય-પૂર્વ ઝોનમાં 296.45 કરોડનું ખેડૂતોને નુકસાન થયું છે. ચારેય ઝોન મળીને ગુજરાતના ખેડૂતોને કુલ રૂપિયા 1574.48 કરોડનું નુક્સાન થયાનો અંદાજ છે.
