જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સામેના ઓપરેશનની કાર્યવાહીને નવ દિવસ થઈ ગયા છે. આ લાંબી અથડામણમાં બે જવાન શહીદ થયા અને દસ ઘાયલ થયા. સુરક્ષા દળો ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામના અખાલ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે સતત અથડામણ ચાલી રહી છે. આ અત્યાર સુધીનું સૌથી લાંબું ચાલતું આતંકવાદ વિરોધી ઓપરેશન બની ગયું છે.
આ એન્કાઉન્ટર 1 ઓગસ્ટના રોજ ‘ઓપરેશન અખાલ’ હેઠળ શરૂ થયું હતું. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે કેટલાક આતંકવાદીઓ અખાલના ગાઢ જંગલોમાં છુપાયેલા છે. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ આ ઓપરેશનમાં સામેલ છે.
અત્યાર સુધી એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઓપરેશનમાં આપણા બે સૈનિકો શહીદ થયા છે અને દસ સૈનિકો ઘાયલ થયા છે.
આ વિસ્તાર પહાડો અને ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. આ મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ અને ગુફાઓનો લાભ લઈને આતંકવાદીઓ છુપાઈ રહ્યા છે. જેના કારણે સુરક્ષા દળોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ, ૧ ઓગસ્ટની સાંજે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો અને એન્કાઉન્ટર શરૂ થયું.
જંગલમાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પહેલા ૨૮ જુલાઈના રોજ, સુરક્ષા દળોએ પહેલગામ હુમલામાં સામેલ ૩ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ૩૧ જુલાઈના રોજ, ઘૂસણખોરી દરમિયાન ૨ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીર પોલીસના વડા નલિન પ્રભાત અને આર્મીના ઉત્તરી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા સહિત વરિષ્ઠ પોલીસ અને સૈન્ય અધિકારીઓ આ ઓપરેશન પર ચોવીસ કલાક નજર રાખી રહ્યા છે. સુરક્ષા દળોએ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા માટે ડ્રોન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે. છુપાયેલા આતંકવાદીઓને ઠાર કરવામાં પેરા કમાન્ડો પણ સુરક્ષા દળોને મદદ કરી રહ્યા છે.
સુરક્ષા દળો આતંકવાદીઓને પકડવા માટે સતત કાર્યવાહી કરી રહ્યા છે. ગાઢ જંગલ અને રાત્રિના અંધારામાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. વિસ્તારમાં ગોળીબાર અને વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. આ પડકારજનક પરિસ્થિતિમાં પણ આપણા જવાનો બહાદુરીથી લડી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં આતંકવાદીઓને ખતમ કરશે.