અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર સ્ટીફન મિલરે રવિવારે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં આડકતરી રીતે ફંડિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ ટ્રમ્પને “સ્વીકાર્ય નથી” અને ભારતે તેની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ. સ્ટીફન મિલર ટ્રમ્પ વહીવટમાં વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ છે, અને તેમનું નિવેદન અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા મુખ્ય આરોપોમાંનું એક છે.
ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવામાં ચીનની બરાબરી પર
ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં મિલરે કહ્યું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને આ યુદ્ધમાં નાણાં પૂરાં પાડે તે સ્વીકાર્ય નથી.’ રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પના ટોચના સલાહકારે કહ્યું કે લોકોને જાણીને આશ્ચર્ય થશે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવામાં ચીનની બરાબરી પર છે. મિલરે તેને ‘આશ્ચર્યજનક હકીકત’ ગણાવી.
મિલર દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી કઠોર ટીકા માનવામાં આવી રહી છે, ખાસ કરીને જ્યારે ભારત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનું મહત્વપૂર્ણ ભાગીદાર છે. જોકે, મિલરે ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો ‘શાનદાર’ હોવાનું કહીને તેમના નિવેદનને સંતુલિત કર્યું.
ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે
આ મુદ્દે ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. રોઇટર્સના અહેવાલમાં જણાવાયું છે કે વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ ભારત સરકારે સંકેત આપ્યો છે કે અમેરિકાના દબાણ છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે.
અમેરિકાએ ૧૦૦% ટેરિફ લાદવાની ધમકી આપી
દરમિયાન, અમેરિકાએ રશિયા પાસેથી લશ્કરી સાધનો અને તેલ ખરીદવાને કારણે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 25% ટેરિફ લાદ્યો છે. આ ઉપરાંત, ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો રશિયા યુક્રેન સાથે કોઈ મોટો શાંતિ કરાર નહીં કરે, તો તેઓ રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પાસેથી યુએસ આયાત પર 100% ટેરિફ લાદવાનું વિચારી શકે છે.