સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને સરકાર તરફથી મળશે 75 ટકા સુધીની સહાય

APEDA માન્ય સંસ્થાઓ ખાતેથી સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોએ સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

ગુજરાતની ધરતીને રસાયણમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપરાંત સેન્દ્રીય ખેતીને પણ પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં “સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” હેઠળ APEDA દ્વારા માન્ય કરાયેલી સંસ્થાઓ મારફતે સર્ટિફિકેશન કરાવવાની પ્રક્રિયામાં ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન માટે થતા ખર્ચમાં રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

APEDA માન્ય ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCO) ખાતે સર્ટિફિકેશન માટે ખેડૂતોને થતા ખર્ચમાંથી ૭૫ ટકા સુધીની એટસોર્સ સહાય-સબસીડી આપવામાં અને ખેડૂતોએ માત્ર ૨૫ ટકા જ નાણા ભરવાના રહે છે. જ્યારે, APEDA માન્ય અન્ય સંસ્થાઓ ખાતે સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોએ સહાય માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. જેમાં પાત્રતા ધરાવતા ખેડૂતોને ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૨,૦૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.

આ ઉપરાંત APEDA માન્ય તમામ સંસ્થા પાસેથી જે ખેડૂતો દ્વારા સેન્દ્રીય ખેતી સંબંધીત સર્ટિફિકેટ મેળવવામાં આવ્યા હોય, તેવા ખેડૂતોને “સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” હેઠળ વાર્ષિક ધોરણે પ્રોત્સાહન રૂપે પ્રતિ હેક્ટર રૂ. ૫,૦૦૦ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ઇનપુટ સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે માટે APEDA માન્ય સંસ્થાઓ પાસેથી સેન્દ્રીય ખેતી સંબંધિત સર્ટિફિકેટ મેળવ્યું હોય તેવા તમામ ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે.

આ યોજના હેઠળ સહાય મેળવવા માટે રાજ્યમાં સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ઉક્ત બંને ઘટકોની સહાયનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે. સેન્દ્રીય ખેતીની યોજના હેઠળના રજીસ્ટ્રેશન/સર્ટિફિકેશન સહાય અને ઇનપુટ સહાય માટેની અરજીઓ મેળવવા માટે પોર્ટલ સતત ખુલ્લું રાખવામાં આવ્યું છે.