ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ઋષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર થતા 6 અઠવાડિયા માટે બહાર

Rishabh Pant out

માન્ચેસ્ટર: ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર વિકેટકીપર ઋષભ પંતને જમણા પગના અંગૂઠામાં બોલ વાગતા ફ્રેક્ચર થયું હોવાની પુષ્ટિ થઈ છે. ડોક્ટરોએ તેને 6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં ઋષભ પંતની વાપસીને લઈને હજુ પણ સસ્પેન્સ બન્યો છે. ઈંગ્લેન્ડમાં માન્ચેસ્ટરના ચોથી ટેસ્ટના પહેલા દિવસે તે ઈજાગ્રસ્ત થઈને મેદાનમાંથી પરત ફર્યો હતો.

ભારતની ઈનિંગની 68મી ઓવરમાં જ્યારે પંત 37 રન પર બેટિંગ કરી રહ્યો હતો આ દરમિયાન તેણે ઈંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સ સામે રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ તેના જૂતાને વાગ્યો હતો. બોલ તેના બેટની અંદરની કિનારી લઈને તેના પગના અંગૂઠા સાથે અથડાયો હતો.

આ પછી પંત જમીન પર સૂઈ ગયો અને બોલ વાગવાથી સખત પીડાથી કરગરવા લાગ્યો. તેના પગમાં સોજો આવી ગયો અને લોહી નીકળવાનું ચાલુ થઈગયું હતું. ઈજાના કારણે તે ચાલી શકતો ન હતો અને ફિઝિયોની મદદથી તેને મેડિકલ ટીમના વાહનમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, પગના અંગુઠાના સ્કેનમાં ફ્રેક્ચર જોવા મળ્યું છે. તે 6 અઠવાડિયા સુધી રમી શકશે નહીં. મેડિકલ ટીમ જોઈ રહી છે કે પેઈનકિલર્સ લીધા પછી ફરીથી બેટિંગ કરી શકે છે કે કેમ, પરંતુ અત્યારે તે ચાલી પણ શકતો નથી તેથી ફરીથી રમવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

દરમિયાન, પસંદગી સમિતિએ અંતિમ ટેસ્ટ (31 જુલાઈથી 4 ઓગસ્ટ, ઓવલ) માટે ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે પંત હવે મેચમાં રમી શકશે નહીં. ભારતની ટીમ પહેલાથી જ ઈજાની સમસ્યાઓનો સામનો કરીરહી છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી (ઘૂંટણની ઈજા) પહેલાથી જ બહાર છે અને ઝડપી બોલર આકાશ દીપ (જાંઘની ઈજા) અને અર્શદીપ સિંહ (અંગૂઠાની ઈજા) પણ ચોથી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.