શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને 83,755 પર બંધ: નિફ્ટીમાં પણ 304 પોઈન્ટનો ઉછાળો, નવ માસની ટોચે પહોંચી

sensex

શેરબજારમાં આજે સળંગ ત્રીજા દિવસે આકર્ષક તેજી જોવા મળી છે. આજે અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે, એટલે કે ગુરુવાર, 26 જૂને, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને 83,755 પર બંધ થયો. નિફ્ટી પણ 304 પોઈન્ટ વધીને 25,549 પર બંધ થયો.

વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દૂર થતાં તેમજ વૈશ્વિક સ્તરે સકારત્મક સંકેતો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુ ઉછળ્યા છે. સેન્સેક્સ અંતે 1000.36 પોઈન્ટ (1.21 ટકા) ઉછળી 83755.87 અને નિફ્ટી 304.25 પોઈન્ટ (1.21 ટકા) ઉછાળે 25549 પર બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટી નવ માસની ટોચે પહોંચ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરોમાં તેજી જોવા મળી હતી અને 8 શેરો ઘટ્યા હતા. આજે મેટલ, ફાઇનાન્શિયલ અને એનર્જી શેરોમાં ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ, ઓટો અને આઇટી શેરો પર દબાણ જોવા મળ્યું.

ટાટા સ્ટીલ, બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ, NTPC, HDFC Bank, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેન્કના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી. જ્યારે ટ્રેન્ટ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, મારુતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં ઘટાડાનો માહોલ જોવા મળતો હતો.એશિયામાં જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. દક્ષિણ કોરિયાનો કોસ્પી, શાંઘાઈનો SSE કોમ્પોઝીટ ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગમાં મંદી જોવા મળતી હતી.

શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે આજે રોકાણકારોની મૂડી 3.46 લાખ કરોડ વધી છે. બીએસઈ ખાતે આજે 260 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 127 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતાં. મેટલ, બેન્કિંગ, એનર્જી, પાવર સહિતના શેર્સમાં નીચા મથાળે ખરીદી વધતાં ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળ્યા હતાં.

સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે, એટલે કે કાલે બુધવાર, 25 જૂનના રોજ, સેન્સેક્સ 700 પોઈન્ટ વધીને 82,756 પર બંધ થયો. નિફ્ટી પણ 200 પોઈન્ટ વધીને 25,245 પર બંધ થયો.