ઈરાને પહેલી વાર સ્વીકાર્યું કે અમેરિકાનાં હુમલામાં તેના પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું છે

ismail Boghai

અમેરિકન સેનાએ રવિવારે (22 જૂન) ઈરાનમાં ત્રણ પરમાણુ સુવિધાઓ – નાતાન્ઝ, ફોર્ડો અને ઇસ્ફહાન પર હુમલો કર્યો હતો. અગાઉ, ઇઝરાયલે પણ તે સ્થળો પર બોમ્બ ફેંક્યા હતા. ઈરાનના વિદેશ મંત્રાલયે પહેલીવાર જણાવ્યું છે કે અમેરિકન હુમલામાં પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું છે.

ઈરાને પહેલી વાર સ્વીકાર્યું છે કે રવિવારે થયેલા અમેરિકાના હુમલામાં દેશના પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઈએ બુધવારે પહેલી વાર પુષ્ટિ કરી કે સપ્તાહના અંતે થયેલા અમેરિકાનાં હુમલાથી દેશના પરમાણુ પ્લાન્ટને ‘ભારે નુકસાન’ થયું છે. બાઘેઈએ ‘અલ જઝીરા’ સાથે વાત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. જોકે, તેમણે પરમાણુ સ્થાપનોને થયેલા નુકસાન અંગે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

બાઘેઈએ સ્વીકાર્યું કે રવિવારે યુએસ બી-2 બોમ્બર્સ દ્વારા છોડવામાં આવેલા બંકર-બસ્ટર બોમ્બથી તેના ત્રણ પરમાણુ પ્લાન્ટ, ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનને ઘણું નુકશાન થયું છે. યુએસ સેનાએ ઈરાનનાં ત્રણ પરમાણુ પ્લાન્ટ પર 30,000 પાઉન્ડના બંકર-બસ્ટર બોમ્બ ફેંકવા માટે તેના બી-2 સ્ટીલ્થ બોમ્બર્સ તૈનાત કર્યા હતા.

ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના 12મા દિવસે, મંગળવારે યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો, પરંતુ આ પછી પણ બંને દેશોએ એકબીજા પર તેનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ બુધવાર સુધીમાં મિસાઈલ, ડ્રોન અને બોમ્બના હુમલા આખરે બંધ થઈ ગયા.

બુધવારે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 12 દિવસની લડાઈ પછી યુદ્ધવિરામનું પાલન થયું, જે હવે બંને દેશો વચ્ચે શાંતિ કરાર થઈ શકે છે તેવો સંકેત આપે છે. જોકે, ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે તે કોઈપણ સંજોગોમાં પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડશે નહીં.

ઈરાનની સંસદે સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ દેખરેખ એજન્સી (IAEA) સાથે સહયોગ બંધ કરવા સંબંધિત બિલને પણ મંજૂરી આપી છે. આ સંગઠન વર્ષોથી ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નજર રાખી રહ્યું છે અને હવે ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે સંગઠન સાથે સહયોગ કરશે નહીં.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાનો શ્રેય લીધો. તેમણે કહ્યું કે અમેરિકાને ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં સામેલ કરવાનો અને ઈરાની લક્ષ્યો પર બંકર બસ્ટર બોમ્બ ફેંકવાનો નિર્ણય તેમનો હતો જેનાથી યુદ્ધનો અંત આવ્યો.

ટ્રમ્પે હેગમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુપ્તચર માહિતી વિરુદ્ધ હોવા છતાં તેમણે ઈરાની લક્ષ્યો પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. “ગુપ્તચર ખૂબ જ સ્પષ્ટ હતું અને નિર્ણાયક નહોતું. ગુપ્તચર એજન્સીએ કહ્યું કે અમને ખબર નથી. તે ખૂબ ગંભીર હોઈ શકે છે. તે વિનાશક છે પરંતુ હવે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ દાયકાઓ પાછળ ધકેલી દેવામાં આવ્યો છે,” તેમણે કહ્યું. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે તેહરાન તેની પરમાણુ સુવિધાઓ ફરીથી બનાવવાનો પ્રયાસ કરશે નહીં અને તેના બદલે સમાધાન તરફ રાજદ્વારી માર્ગ અપનાવશે.