ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે 12 દિવસથી ચાલી રહેલ યુદ્ધ હવે ખતમ થઈ ગયુ છે. બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ થઈ ગઈ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના 12મા દિવસે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલી સેનાનો ધ્યેય પૂરો થયો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના 12મા દિવસે યુદ્ધવિરામની જાહેરાત કરી અને કહ્યું કે તે આગામી 6 કલાકમાં અમલમાં આવશે. નિર્ધારિત સમય પૂરો થયા પછી, તેમણે બીજી પોસ્ટ કરી અને લખ્યું – “યુદ્ધવિરામ હવેથી અમલમાં છે, કૃપા કરીને તેનો ભંગ કરશો નહીં.”
શરૂઆતનાં કન્ફ્યુઝન પછી ઈરાનના સરકારી ટેલિવિઝન દ્વારા યુદ્ધવિરામ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઈરાનના સરકારી ટેલિવિઝન દ્વારા મંગળવારે કહેવામાં આવ્યું હતું કે ઈઝરાયલ સાથેના યુદ્ધમાં યુદ્ધવિરામ શરૂ થઈ ગયો છે, જ્યારે ઈઝરાયલે પણ હવે ઈરાની હુમલા અંગે જારી કરાયેલ ચેતવણી હટાવી દીધી છે અને લોકોને બંકરમાંથી બહાર આવવા દેવામાં આવ્યા છે.
અગાઉ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી પછી, બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. પરંતુ યુદ્ધવિરામ લાગુ થયા પછી પણ, ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયલી સંરક્ષણ દળે કહ્યું કે ઇરાને એક કલાકમાં ત્રણ વખત મિસાઇલ હુમલા કર્યા છે અને તેમાં ચાર નાગરિકોના પણ મોત થયા છે. ઇઝરાયલ પરના હુમલાને કારણે તેલ અવીવમાં સાયરન ચાલુ થઈ ગઈ હતી અને લોકો સલામત સ્થળોએ શિફ્ટ થઈ ગયા હતા.
ઈરાની સૈન્યએ મંગળવારે ઈઝરાયલ પર થયેલા તાજેતરના હુમલાનો ઇનકાર કર્યો છે. ઈરાનના સરકારી ટેલિવિઝનએ ઈરાની સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના નિવેદનને ટાંકીને જણાવ્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કર્યાના કલાકો પછી, મંગળવારે સવારે ઇઝરાયલ પર મિસાઇલ છોડવામાં આવી હોવાનો ઈરાને ઇનકાર કર્યો છે.
યુદ્ધવિરામ શરૂ થયાના લગભગ અઢી કલાક પછી ઇઝરાયલે મિસાઇલ હુમલાની જાણ કરી. ઇઝરાયલે જવાબમાં ઇરાન પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે.
યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ઈરાનના હુમલાઓ દર્શાવે છે કે તે છેલ્લા શ્વાસ સુધી લડવાની શક્તિ બતાવવા માંગે છે. ઉપરાંત, તાજેતરના હુમલાઓ અમેરિકાને સંદેશ છે કે ઈરાન કોઈના દબાણ હેઠળ યુદ્ધવિરામ સ્વીકારશે નહીં, પરંતુ તે પોતે જ તેના પર નિર્ણય લેશે.
હકીકતમાં, ૧૩ જૂનથી ઇઝરાયલ સામે શરૂ થયેલા આ યુદ્ધમાં ઇરાનને ભારે નુકસાન થયું છે. તેના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો, ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર અમેરિકાએ બંકર બસ્ટર બોમ્બથી હુમલો કર્યો છે. ઇઝરાયલી હુમલામાં ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ હુસૈન સલામી સહિત ઘણા ટોચના લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. આ ઉપરાંત, ઇરાનમાં લગભગ એક હજાર લોકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં ઇરાનના માળખાને પણ ઘણું નુકસાન થયું છે.
ઇઝરાયલ સાથેના યુદ્ધમાં અમેરિકાએ પણ ઇરાન સામે મોરચો ખોલ્યો હતો અને દેશના સૌથી પ્રખ્યાત પરમાણુ સ્થળ ફોર્ડો સહિત ત્રણ સ્થળો પર બોમ્બમારો કર્યો હતો, જેમાં પરમાણુ સુવિધાને ઘણું નુકસાન થવાની આશંકા છે. બીજી તરફ, ઇરાનને મધ્ય પૂર્વના કોઈપણ દેશનો ટેકો મળ્યો ન હતો અને તેણે એકલા હાથે જ પોતાની લડાઈ લડવી પડી હતી. રશિયા અને ચીન જેવા શક્તિશાળી દેશોએ ઇરાનને નૈતિક ટેકો આપ્યો હતો પરંતુ અમેરિકા-ઇઝરાયલ સામેના યુદ્ધમાં ખુલ્લેઆમ ઇરાન સાથે ઉભા રહ્યા ન હતા.