અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના બોઇંગ કંપનીના 787 ડ્રીમલાઇનર વિમાન સાથે સંકળાયેલી સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંની એક બની છે. અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગનું આ સૌથી આધુનિક વાઇડબોડી એરલાઇનર હતું. એર ઇન્ડિયાનું આ દુર્ભાગ્યપૂર્ણ વિમાન ફક્ત 12 વર્ષ જૂનું હતું અને અકસ્માતના થોડા કલાકો પહેલા જ દિલ્હીથી મુસાફરો સાથે અમદાવાદ પહોંચ્યું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 242 લોકો સવાર હતા.
અમદાવાદ એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભર્યાના થોડી જ મિનિટો પછી, વિમાન ઝડપથી નીચે પડવા લાગ્યું અને એક રહેણાંક વિસ્તારમાં ધડાકાભેર ક્રેશ થયા પછી એક વિશાળ અગનગોળામાં ફેરવાઈ ગયું. આ ગોઝારી દુર્ઘટનામાં કુલ 270 લોકોના કરુણ મોત થયા. આ આંકડામાં વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત, તે ઇમારતમાં હાજર લોકોનો પણ સમાવેશ થાય છે જેની સાથે વિમાન અથડાયું હતું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે અને વિમાન સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. બોઇંગ 787 ડ્રીમલાઇનર માટે આ એક કમનસીબ ઘટના છે, કારણ કે તેને તેની અત્યાધુનિક ટેકનોલોજી માટે જાણીતું માનવામાં આવે છે. આ દુર્ઘટનાના કારણો જાણવા માટે વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી કરતા DGCA(ભારતની નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા)એ એરલાઇન્સના ત્રણ અધિકારીને હટાવવાનો નિર્ણય લીધો છે. ક્રૂના ટાઈમ ટેબલમાં પણ અનિયમિતતાના આરોપો લાગ્યા છે. ગંભીર અનિયમિતતાને કારણે DGCAએ એર ઇન્ડિયાના ત્રણ સિનિયર અધિકારીને તાત્કાલિક અસરથી ક્રૂ શિડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ જવાબદારીઓમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. વારંવાર ગંભીર ભૂલો અને નિયમોના ઉલ્લંઘન બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
એર ઇન્ડિયાને ક્રૂ શિડ્યૂલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ ભૂમિકાઓ અને જવાબદારીઓમાંથી અધિકારીઓને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્રણેય અધિકારી સામે તાત્કાલિક આંતરિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને એનો રિપોર્ટ 10 દિવસની અંદર DGCA ઓફિસમાં સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 20 જૂને જારી કરાયેલા આદેશમાં એર ઈન્ડિયાને તાત્કાલિક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે DGCAના આદેશનો સ્વીકાર કર્યો છે અને એને લાગુ કર્યો છે.
આ અધિકારીઓને હટાવવામાં આવ્યા
- ચુરા સિંહ, ડિવિઝનલ વાઇસ-પ્રેસિડેન્ટ
- પિંકી મિત્તલ, ચીફ મેનેજર, ડીઓપીએસ, ક્રૂ શિડ્યૂલિંગ
- પાયલ અરોરા, ક્રૂ શિડ્યૂલિંગ, પ્લાનિંગ
આ ત્રણેય અધિકારી સામે ત્રણ આરોપ છે
- નિયમો વિરુદ્ધ જઈને ક્રૂની અનધિકૃત પેયરિંગ કરવી
- ફરજિયાત ઉડાન અનુભવ અને લાઇસન્સિંગ નિયમોનું ઉલ્લંઘન
- સમયપત્રક પ્રોટોકોલનું પાલન ન કરવું
DGCAના આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે ફ્લાઇટ સલામતી અને નિયમોના પાલન સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. એર ઇન્ડિયાને સમયપત્રક પ્રક્રિયાઓમાં સુધારો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં આવી ભૂલો ફરી ન થાય. આ પગલું ફક્ત એર ઇન્ડિયાના કામકાજને પારદર્શક બનાવવા માટે જ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો સંદેશ પણ આપે છે.