લાલુ યાદવે તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું છે અને માફી પણ માંગી રહ્યા નથીઃ પીએમ મોદી

pmModi Bihar

આરજેડી અને કોંગ્રેસના લોકો પોતાને બાબા સાહેબ કરતા મોટા બતાવવા માંગે છે, તેથી તેઓ તેમની તસવીર પોતાના પગ આગળ રાખી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના સિવાન શહેરની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે પ્રજાને સંબોધન કરી રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. પોતાના સંબોધનનાં અંતમાં વડાપ્રધાને એ પણ જણાવ્યું કે ડૉ. આંબેડકરનું અપમાન કર્યા પછી આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે માફી કેમ ન માંગી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિવાનના જસોલીમાં એક જાહેર સભાને સંબોધિત કરી. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ ઘણી વખત જંગલ રાજ શબ્દનો ઉપયોગ કર્યો અને કોંગ્રેસ-આરજેડી પર જોરદાર પ્રહારો કર્યા. પીએમ મોદીએ યુવાનોને જંગલ રાજની યાદ અપાવી. આ પછી, તેમણે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના જન્મદિવસ પર બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના અપમાનનો મુદ્દો પણ ઉઠાવ્યો.

પીએમ મોદીએ કહ્યું કે આરજેડીના લોકોએ બાબા સાહેબનું અપમાન કર્યું છે અને માફી પણ માંગી રહ્યા નથી. તેમણે કહ્યું કે, આરજેડીએ બાબા સાહેબ સાથે કેવો વ્યવહાર કર્યો, તે તમામે જોયો છે. આરજેડી અને કોંગ્રેસના લોકો પોતાને બાબા સાહેબ કરતા મોટા બતાવવા માંગે છે, તેથી તેઓ તેમની તસવીર પોતાના પગ આગળ રાખી રહ્યા છે, જે હડહડતું અપમાન છે. પરંતુ, મોદી બાબા સાહેબને પોતાના હૃદયમાં રાખે છે. બિહારીઓ બાબા સાહેબના આ અપમાનને ક્યારેય ભૂલશે નહીં.

આરજેડીના લોકોએ બાબા સાહેબનું અપમાન કેવી રીતે કર્યું
પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે અમે સબકા સાથ અને સબકા વિકાસ કહીએ છીએ પણ ફાનસ અને પંજાવાળા લોકો ‘પરિવાર કા સાથ અને પરિવાર કા વિકાસ’ કહે છે. તેમની કુલ રાજકીય મૂડી એ છે કે તેઓ પોતાના પરિવારના ફાયદા માટે કરોડો પરિવારોને નુકસાન પહોંચાડવામાં અચકાતા નથી.

બાબા સાહેબ આંબેડકર પણ આ પ્રકારની રાજનીતિના વિરોધી હતા. એટલા માટે આ લોકો દરેક પગલે બાબા સાહેબનું અપમાન કરે છે. હવે દેશે જોયું છે કે આરજેડીના લોકોએ બાબા સાહેબનું અપમાન કેવી રીતે કર્યું. આરજેડીના લોકોએ બાબા સાહેબના ચિત્ર સાથે શું કર્યું? બધાએ આ જોયું છે.

તેઓ બાબા સાહેબ કરતા મોટા દેખાવા માંગે છે
પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જેમાં લોકોને બાબા સાહેબનું અપમાન કરવા બદલ માફી માંગવા કહેવામાં આવ્યું છે. પરંતુ આ લોકો માફી માંગશે નહીં. કારણ કે તેમને દલિતો, મહાદલિતો, પછાત અને અત્યંત પછાત લોકો માટે કોઈ માન નથી. આરજેડી દલિતો અને પછાત વર્ગના નામે રાજકારણ રમે છે. આરજેડી અને કોંગ્રેસના લોકો બાબા સાહેબનો ફોટો પોતાના પગ પાસે રાખે છે. પરંતુ મોદી બાબા સાહેબને પોતાના હૃદયમાં રાખે છે. બાબા સાહેબનું અપમાન કરીને, આ લોકો બાબા સાહેબ કરતા મોટા દેખાવા માંગે છે. બિહારના લોકો બાબા સાહેબના અપમાનને ક્યારેય ભૂલશે નહીં. બિહારીઓ આ અપમાનને હંમેશા યાદ રાખશે.

આપને જણાવી દઈએ કે, 11 જૂન-2025ના રોજ લાલુ પ્રસાદ યાદવના જન્મ દિવસે કાર્યક્રમ રખાયો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં આરજેડી પાર્ટીનો એક કાર્યકર્તા ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીર લાલુ યાદવના પગ પાસે રાખતાં જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ રાજકીય વિવાદ ઊભો થયો હતો અને ભાજપ સહિત પક્ષોએ આરજેડી પર આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં અનુસૂચિત જાતિ આયોગે લાલુ યાદવને નોટિસ પણ મોકલી હતી, જેમાં 15 દિવસની અંદર સ્પષ્ટ જવાબ મંગાયો હતો. જો જવાબ ન આપે તો ફરિયાદ નોંધાવવાની ચેતવણી અપાઈ હતી.