વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું થયુ મોત, મૃતદેહ સાથે DNA મેચ થયા બાદ થઈ પુષ્ટી

maheshJirawalaDeath

દુર્ઘટના સ્થળેથી સળગી ગયેલું એક્ટિવા મળી આવ્યું હતુ. જેના એન્જિન અને ચેસિસ નંબરના આધેર તપાસ કરતાં તે મહેશ જીરાવાલાનું હોવાની પુષ્ટી થઈ હતી.

તારીખ 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઑફ કર્યાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતુ. આ ગોઝારી દુર્ઘટનામાં વિમાનમાં સવાર મોટાભાગના મુસાફરો ઉપરાંત જે બિલ્ડિંગ સાથે પ્રચંડ ધડાકા સાથે ભટકાઈને પ્લેન તૂટી પડ્યુ, તેમાં રહેતા અને આસપાસના લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટના બાદ ગુમ થયેલા ફિલ્મ મેકર મહેશ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલાનું પણ મોત થયું હોવાની અંતે પુષ્ટિ થઈ ગઈ છે.

મહેશ જીરાવાલાનો મૃતદેહ પરિવારને સોંપી દેવાયો છે. DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે એ મૃતદેહ ફિલ્મમેકરનો છે, પરંતુ પોલીસને આ કપરી પરિસ્થિતિમાં પણ સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબરના આધારે વાહન ઓળખી, સીસીટીવી તથા અન્ય બીજા અનેક પુરાવો એકત્રિત કરી પરિવારને એ મૃતદેહ ફિલ્મમેકરનો જ હોવાનું મનાવવામાં સફળતા મળી છે.

હકીકતમાં અમદાવાદનાં નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ, ડી માર્ટ ખાતે રહેતા મહેશભાઈ ગીરધરભાઇ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલા (ઉં.વ. 34), જેઓ ગુજરાતી ફિલ્મ-ડાયરેક્ટર હતા, તેઓ પોતાનું એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તેઓ લાપત્તા થઈ ગયા હતા. આ મામલે તેમના ભાઈ કાર્તિક કાલાવાડિયા દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં મહેશ જીરાવાલા ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ મામલે તપાસ કરી રહેલી પોલીસને મહેશ જીરાવાલાનું છેલ્લુ લોકેશન દુર્ઘટના સ્થળની 700 મીટરના અંતરે મળી આવ્યું હતુ. જો કે દુર્ઘટના બાદ તેમને મોબાઈલ ફોન બંધ આવી રહ્યો હતો. આથી મહેશ જીરાવાલાએ પણ પ્લેન ક્રેશમાં પોતાનો જીવ ગુમાવ્યો હોવાની શંકા ગઈ હતી, પરંતુ તેમના પરિવારજનો આ વાત માનવા તૈયાર નહતા.

આખરે પોલીસ દ્વારા મહેશભાઈનાં પરિવારજનોને સમજાવી ડીએનએ લેવા જરૂરી હોવાની સમજણ આપી. શંકા દૂર કરવા અને ખાતરી કરવા માટે પણ DNA ટેસ્ટ જરૂરી હોવાનું જણાવતાં મહેશભાઈના ભાઈ કાર્તિક કાલાવાડિયાના DNA નમૂના લેવડાવવામાં આવ્યા હતા.
જે દુર્ઘટના સ્થળેથી મળી આવેલ એક મૃતદેહ સાથે મેચ થયા હતા. તેથી જ પ્લેન દૂર્ઘટનામાં જ મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી હતી. આ બાબતે પરિવારજનોને જાણ કરવામાં આવી હોવા છતાં મહેશભાઈના પત્ની તેમજ પરિવારજનો આ વાત માનવા તૈયાર જ નહોતા. તેમણે પોતાને પૂરી ખાતરી થશે પછી જ ડેડબોડી લેવા પોલીસને જણાવી દીધું હતું.

બીજી તરફ મેઘાણીનગર પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરા આધારે તપાસ કરતા મહેશભાઈ એક્ટિવા ઉપર જે સમયે પ્લેન ક્રેશ થયુ તે જ સમયે તે સ્થેળેથી પસાર થતા હોવાનું જાણવા મળ્યુ હતુ.

વધુમાં અમદાવાદ શહેર પોલીસ ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વધુ તપાસ કરવામાં આવતાં બનાવવાળી જગ્યાએ એક એક્ટિવા સળગી ગયેલી હાલતમાં જણાઈ આવ્યું હતું, જેના એન્જિન અને ચેસીસનંબર આધારે ચેક કરવામાં આવતાં તે મહેશ જીરાવાલાનું હોવાની પુષ્ટી થઈ હતી.

ત્યારબાદ આખરે પોલીસે સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનો ભાંગી પડ્યાં હતાં અને ભારે હૈયે મહેશ જીરાવાલાના મૃતદેહને સ્વીકાર્યો હતો.