રાજાની હત્યા સમયે હું ત્યાં હાજર હતી… ક્રાઈમ સીન રિક્રિએશન દરમ્યાન સોનમ રઘુવંશીએ કરી કબૂલાત

sonamRaghuvanshi

ક્રાઇમ સીન રિક્રિએશન દરમિયાન સોનમ રઘુવંશીએ કબૂલાત કરી હતી કે તે હત્યા સમયે ત્યાં હાજર હતી. તેણે હત્યારાઓને પાર્કિંગમાં જ રાજાને મારી નાખવાનો સંકેત આપ્યો હતો.

મેઘાલય પોલીસે ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા કેસમાં સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. શિલોંગના પોલીસ અધિક્ષક (એસપી) વિવેક સૈયમે જણાવ્યું હતું કે, ’23મી મેના રોજ સોહરાના વેઇસાડોંગ ધોધ નજીક રાજાની હત્યામાં એક નહીં પણ બે તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક હથિયાર મળી આવ્યું છે, જ્યારે બીજુ હથિયાર રાજાના મૃતદેહ સાથે ત્યાં ખાડામાં ફેંકવામાં આવ્યું હતું. પોલીસ હજુ પણ તેની શોધ કરી રહી છે. આ ઉપરાંત સોનમે ક્રાઈમ સીન રિક્રિએશનમાં કરી કબૂલાત કરી છે કે, પતિ રાજાની હત્યા સમયે હાજર હતી.’

શિલોંગના પોલીસ અધિક્ષક (એસપી) વિવેક સૈયમે જણાવ્યું હતું કે ‘રાજા પર ત્રણ વાર મારવામાં આવ્યા હતા અને ત્રણ હત્યારાઓ આકાશ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ અને આનંદ કુર્મીએ એક-એક વાર માર માર્યો હતો. ક્રાઇમ સીન રિક્રિએશન દરમિયાન સોનમ રઘુવંશીએ કબૂલાત કરી હતી કે તે હત્યા સમયે ઘટનાસ્થળે હાજર હતી. તેણે હત્યારાઓને પાર્કિંગમાં જ રાજાને મારી નાખવાનો સંકેત આપ્યો હતો. જ્યારે આરોપીઓએ રાજા પર હુમલો કર્યા બાદ લોહી નીકળવા લાગ્યું, ત્યારે સોનમ ચીસો પાડીને પાછળ હટી ગઈ. ત્રણેય હત્યારાએ સાથે મળીને રાજાના મૃતદેહને ખીણમાં ફેંકી દીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, સોનમે તેના મોબાઇલ ફોનનો નાશ કર્યો છે અને તે હજુ સુધી મળ્યો નથી. હત્યા પાછળનું કારણ પ્રણય ત્રિકોણ હોઈ શકે છે, જેની તપાસ ચાલી રહી છે. એસપીએ કહ્યું કે કોઈ અન્ય કારણ પણ હોઈ શકે છે, જેની તપાસ ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધી તપાસમાં પ્રણય ત્રિકોણના પુરાવા મળ્યા છે.’

આ અંગે એસપી વિવેક સૈયમે જણાવ્યું હતું કે, ‘ત્રણેય હત્યારા અને સોનમ પહેલાં ક્યારેય શિલોંગ ગયા નહોતા. સોનમનો કથિત પ્રેમી અને હત્યાનો માસ્ટરમાઇન્ડ રાજ કુશવાહા શિલોંગ ગયો ન હતો. તેનું કારણ એ હતું કે તે સોનમના પરિવારની ફેક્ટરીમાં કર્મચારી હતો અને તેના જવાથી શંકા ઊભી થઈ શકતી હતી, તેથી તે ઇન્દોરમાં જ રોકાયો હતો.

સોનમના પરિવારની પૂછપરછ કરશે

સોનમના પરિવાર અંગે એસપી વિવેક સૈયમે જણાવ્યું હતું કે ‘અમારી ટીમ ઇન્દોરમાં છે. તેમની પૂછપરછ કરવામાં આવશે. સોનમના પરિવારના સભ્યોની પૂછપરછ કરવાના ઘણાં અન્ય એંગલ છે.’

ક્રાઈમ સીન રિક્રેએશન દરમિયાન, સોનમે જણાવ્યું હતું કે તે હત્યા સમયે હાજર હતી અને બે આરોપીઓ જમણી અને ડાબી બાજુએ તેના સંકેતની રાહ જોઈ રહ્યા હતા. પોલીસ આ કેસમાં સંપૂર્ણ તપાસ કરી રહી છે.

રાજા હનીમૂન માટે મેઘાલય ગયો હતો

ઉલ્લેખનીય છે કે, ઈન્દોરના રહેવાસી રાજા રઘુવંશીએ હત્યાના 12 દિવસ પહેલા સોનમ સાથે લગ્ન કર્યા હતા. તે અને સોનમ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. ત્યારબાદ 23મી મેના રોજ રાજા મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં હતો, જ્યાંથી તે ગાયબ થઈ ગયો હતો. જે પછી બીજી જૂનના રોજ રાજાનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.