ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી તેમજ તેમના પરિવારને સાંત્વનાં પાઠવી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોમવારે સાંજે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી-રાજ્યપાલ અને અન્ય નેતાઓ રૂપાણીના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.
રૂપાણીના પાર્થિવ શરીરને તેમના રાજકોટ સ્થિત નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી (નિર્મલા રોડ) ખાતે રાખવામાં આવ્યું છે. જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પછી, પાર્થિવ શરીરને રામનાથ પરા સ્મશાન ગૃહ લઈ જવામાં આવશે, જ્યાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે.
રાજકોટ સ્થિત નિવાસસ્થાને અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભીખુભાઈ દલસાણીયા, બી.એલ. સંતોષ, નીતિનભાઈ પટેલ, સીઆર પાટીલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા અને પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગત તારીખ 12 જૂને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. ત્યારબાદ 70 કલાકે તેમના ડીએનએનો રિપોર્ટ મેચ થતાં તેમનો મૃતદેહ સોમવારે સવારે પરિવારને સોંપવામાં આવ્યો હતો. ચાર્ટર્ડ પ્લેન દ્વારા મૃતદેહ રાજકોટ લાવવામાં આવ્યો હતો.
દુર્ઘટનાના પાંચમા દિવસે પરિવારે વિજય રુપાણીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. સ્વર્ગસ્થ વિજયભાઈ રુપાણીને તેમના પત્ની અંજલિબેને શિશ ઝૂકાવી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે તેઓ ભાવુક થઈ જતા પુત્ર ઋષભ અને દીકરી રાધિકાએ તેમને સંભાળ્યા હતા. આ દૃશ્ય જોઈ ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી આજે ચોથો દિવસ છે. આ ચાર દિવસમાં, 250 મૃતદેહોના ડીએનએ નમૂના લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 119 ડીએનએ મેચ થયા છે, જેમાંથી 76 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.
૧૨ જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-૧૭૧ (૭૮૭-૮ બોઇંગ ડ્રીમલાઇનર) ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. વિમાન બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું.
આ અકસ્માતમાં ૨૭૫ લોકોના મોત થયા હતા, જેમાં વિમાનમાં સવાર ૨૪૧ લોકો (૨૨૯ મુસાફરો (એક જીવિત) અને ૧૦ કેબિન ક્રૂ, ૨ પાઇલટ), હોસ્ટેલ બિલ્ડિંગ અને બાકીના ૩૪ લોકોનો સમાવેશ થાય છે. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, તમામ ડીએનએ ટેસ્ટ થયા પછી કુલ મૃત્યુનો અંતિમ આંકડો સ્પષ્ટ થશે.