PM મોદી સહિત 14 દેશોના વડાઓ કેનેડામાં 2 દિવસીય G-7 સમિટમાં હાજરી આપશે, પહેલીવાર માર્ક કાર્નીને મળશે

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર પીએમ મોદી G-7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ભારત G-7નું સભ્ય નથી પરંતુ કેનેડાના વડાપ્રધાનના આમંત્રણ પર ભારત આઉટરીચ પાર્ટનર તરીકે સમિટમાં ભાગ લઈ રહ્યું છે.

સોમવારથી કેનેડાના કેનાનાસ્કિસમાં બે દિવસીય G7 સમિટ શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાયપ્રસથી સીધા કેનેડા જવા રવાના થશે. તેઓ કેનેડામાં G-7 સમિટમાં હાજરી આપશે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર પીએમ મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે જોવા મળશે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયો મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર આ સમિટમાં ભાગ લેવા માટે કેનેડા પહોંચી ગયાં છે.

પીએમ મોદી સતત છઠ્ઠી વખત G-7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ સમય દરમિયાન, પીએમ મોદી સમિટમાં ભાગ લેનારા નેતાઓને મળશે. આ સમય દરમિયાન, તેઓ સમિટ ઉપરાંત ઘણી દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે.

વર્ષ ૨૦૧૫ પછી પીએમ મોદીની આ પહેલી કેનેડાની મુલાકાત છે. પીએમ મોદી G-7 સમિટમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમને મળશે. આ ઉપરાંત, પીએમ મોદી અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરને પણ મળશે.

પીએમ મોદી ત્રણ દેશોના પ્રવાસ પર છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર તેઓ G-7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. તેનું આયોજન ૧૬ અને ૧૭ જૂને થઈ રહ્યું છે. ભારત G-7નું સભ્ય નથી પરંતુ કેનેડાના વડાપ્રધાનના આમંત્રણ પર ભારત આઉટરીચ પાર્ટનર તરીકે સમિટમાં ભાગ લઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂરની સફળતા પછી પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે.

આ મંચ પર, પ્રધાનમંત્રી મોદી ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડશે. વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં તેની કેન્દ્રીય ભૂમિકાને ધ્યાનમાં રાખીને ભારત વૈશ્વિક આર્થિક સ્થિરતા, આબોહવા પરિવર્તન અને ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર પોતાનો પક્ષ રજૂ કરશે. આ ઉપરાંત, ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, ખાસ કરીને તાજેતરના તણાવ પછી.

જાન્યુઆરી 2025માં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ માર્ક કાર્ની 14 માર્ચે કેનેડાના નવા પીએમ બન્યા હતા. જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત-કેનેડા સંબંધોમાં ખટાશ આવી હતી.

આપને જણાવી દઈએ કે યુક્રેન અને મેક્સિકો પણ G-7ના સભ્યો નથી, પરંતુ બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોને આ વખતે સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, G-7 સમિટમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. પહેલા તેને G-8 કહેવામાં આવતું હતું. 2014 માં, જ્યારે રશિયાએ પડોશી દેશ ક્રિમીઆ પર કબજો કર્યો, ત્યારે બાકીના સભ્ય દેશોએ રશિયાને જૂથમાંથી બહાર કાઢ્યું, જેના પછી તેનું નામ G-7 રાખવામાં આવ્યું.