રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. દિવસભર અસહ્ય બફારો રહ્યાં બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો. રાજકોટ, અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર, ગોંડલ ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો.
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકવાનું શરૂ થયું છે. અમદાવાદ સિવિલમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી.
આજે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદા એન્ટ્રી કરી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરથી માંડીને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં દિવસભરના અસહ્ય બફારા બાદ બપોર પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝરમર-ઝરમર તો ક્યાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી છે.
ખેડા જિલ્લામાં પણ મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો નડિયાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસવાના કારણે અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોએ પહેલા વરસાદની મજા માણી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ગીર સોમનાથ, બોટાદ, દીવ, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, દ્વારકા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, આણંદ, ખેડા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદની આગાહીને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.