અમદાવાદનાં જુહાપુરામાં બે કુખ્યાત ગુનેગારોનાં ઘરને બુલડોઝર દ્વારા તોડી પડાયા

zubedaHouse

AMC દ્વારા નઝીર વોરાના ઝુબેદા હાઉસ અને સરફરાઝ કિટલીના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયુ છે.

અમદાવાદમાં માથાભારે ગુનેગારોનાં ગેરકાયદે બાંધકામો પર AMC દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદનાં જુહાપુરામાં બે ગુનેગારો નઝીર વોરાના ઝુબેદા હાઉસ અને સરફરાઝ કિટલીના ઘરે AMC દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યુ હતું. આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે વરિષ્ઠ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જુહાપુરામાં બે ગુનેગારો નઝીર વોરાના ઝુબેદા હાઉસ અને સરફરાઝ કિટલીના ઘરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં નઝીર વોરાએ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારનું બાંધકામ કર્યુ હતું. જે ગેરકાયદેસર હોવાથી તેને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, આ મિલકત 20,000 ચોરસ ફૂટમાં સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવી હતી, જેને નઝીર વોરા દ્વારા વોરા ફાર્મહાઉસના રૂપે બનાવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વોરાએ આ જગ્યાએ બાળકો માટે મનોરંજનની સુવિધા પણ ઊભી કરી હતી. આ સિવાય તે આ ફાર્મહાઉસને લગ્ન સમારોહ અને અન્ય પારિવારિક ઇવેન્ટ માટે ભાડે આપતો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ જમીન સરકારી હોવા છતાં, તેનો વેપાર માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

મળતી માહિતી મુજબ, નઝીર વોરાનો લાંબો ગુનાઈત રેકોર્ડ છે. તે વેજલપુર અને સરખેજ સહિતનાં પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલો છે. તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, હુમલો અને ગેરકાયદે જમીન પચાવી પાડવાના આરોપો સહિત 29થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે.

આ સાથે જ જુહાપુરા વિસ્તારમાં જ સોનલ ચાર રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં સરફરાઝ કીટલીનાં ગેરકાયદે બાંધકામ ઉપર પણ બુલડોઝર આજે ફેરવવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ રહેણાક પ્રકારનું 168 ચોરસ મીટરનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું છે. એ ગેરકાયદે બાંધકામને પણ પોલીસ-બંદોબસ્ત વચ્ચે આજે તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, ‘આ મિલકત તોડી પાડવાની કામગીરી શહેરમાં જમીન માફિયા અને અન્ય ગેરકાયદે બાંધકામો સામે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે. આ કાર્યવાહી એ સ્પષ્ટ સંદેશ છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી, ભલે તેમનો પ્રભાવ કે ભૂતકાળનો રેકોર્ડ ગમે તે હોય.